
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે દેશના ઉદ્યોગોને વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય સાથે જોડાવાનું આહ્વાન કરતા કહ્યું કે, હવે સમય એ નક્કી કરવાનો છે કે, ભારતીય ઉદ્યોગો આગામી 20 વર્ષોમાં શું હાંસલ કરી શકે છે. આ માટે તેમણે પોતાના લાંબાગાળાના રોકાણના નિર્ણયમાં ભારત પ્રથમની વિચારધારાને આધાર બનાવવો પડશે. દેશ આત્મનિર્ભર બનવાથી વેપારની નવી તકો ખુલશે.
તેમણે આ સંદર્ભમાં ગાંધીજીએ વર્ષ 1930માં કહેલી વાતને ટાંકીને કહ્યું, 100 વર્ષ થઈ ગયા... પરંતુ 1930માં ગાંધીજી આ જ કહીને ગયા હતા અને આજે આટલા વર્ષો પછી મારે પણ આ જ કહેવું પડી રહ્યું છે. મારું ન માનો, ગાંધીજીનું તો માનો. તેઓ પણ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત કહીને ગયા હતા. મારી આ વાતને પણ ઘરે-ઘરે પહોંચાડો!
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે, ઉદ્યોગ સંઘ (ફિક્કી)ની વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક સંમેલનનું, દિલ્હીના ભારત મંડપમાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઉદ્યોગ જગતે એ વિચાર કરવો જોઈએ કે, ભારતમાં એવા કયા ઉત્પાદન ઘટકો છે જેનું ભારતમાં જ નિર્માણ અને ઉત્પાદન શક્ય છે. તેમણે આ સંદર્ભમાં ફાર્મા ઉદ્યોગનું ઉદાહરણ આપ્યું.
તેમણે કહ્યું કે, ભારતને દુનિયામાં વિશ્વની ફાર્મસી કહેવામાં આવે છે, તેમ છતાં ભારત દર વર્ષે એપીઆઈ, બલ્ક ડ્રગ્સ અને ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ્સની અબજો ડોલરની આયાત કરે છે.
તેમણે કહ્યું, એવી સેંકડો શ્રેણીઓ છે, જેમાં આપણે આજે આયાત પર નિર્ભર છીએ. આપણા ફાર્મા ઉદ્યોગે સમજવું પડશે કે એવા કયા ઘટકો છે, જે આપણે ભારતમાં બનાવી શકીએ છીએ. કયા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને મોટા ઉત્પાદન પ્લાન્ટમાં રોકાણ કરીને આપણે બીજા દેશોની સામે સ્પર્ધાત્મક બની શકીએ છીએ?
પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતને આગ્રહ કર્યો કે, તેમણે ભારતના કૃષિ ક્ષેત્રમાં પોતાનું રોકાણ વધારવું જોઈએ. ચોક્કસ વિદેશી બજારોને ધ્યાનમાં રાખીને ભરોસાપાત્ર પ્રાપ્તિની વ્યવસ્થા બનાવવી જોઈએ અને એવા ઉત્પાદનો બનાવો જેની ત્યાં માંગ છે, જેથી ભારતના ઉત્પાદનો દુનિયામાં આપણી ઓળખ બની શકે.
ફિક્કીના 100 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ સંસ્થાનું 100 વર્ષ સુધી સતત સજાગ અને સક્રિય રહેવું, બદલાતા સમયની સાથે પોતાને આગળ વધારવું અને દેશની આર્થિક યાત્રામાં પોતાની ભૂમિકા ભજવતા રહેવું, એ બહુ મોટી સિદ્ધિ છે.
છેલ્લા 100 વર્ષોની ભારતીય અર્થવ્યવસ્થાની યાત્રાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં દેશે સામૂહિક પ્રયાસોથી ઘણું બધું હાંસલ કર્યું છે. આજે ભારતમાં પ્રગતિની ગતિ ખૂબ ઝડપી છે. સાથે સાથે ગરીબીમાંથી બહાર આવવાની ઝડપ પણ ખૂબ વધારે છે. વર્લ્ડ બેંકનો જે તાજો અહેવાલ આવ્યો છે, તે આપણને સૌને ગર્વથી ભરી દેનારો છે. આ અહેવાલ કહે છે કે માત્ર 12-13 વર્ષોમાં ભારતના 50 કરોડ લોકોએ ગરીબીને પરાજિત કરી છે.
તેમણે કહ્યું કે, ફિક્કી પણ આ વાતનું સાક્ષી છે. આ દર્શાવે છે કે ભારત આજે જે દિશામાં ચાલી રહ્યું છે, તે સાચી, સચોટ છે અને તેમાં દેશની સફળતાની ખાતરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ