
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) : આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી
પહોંચે અને આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ પરિવારને સારવારથી વંચિત રહેવું ન પડે
તેવા ઉદ્દેશ્ય સાથે અમલી બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત
થઈ રહી છે. આ યોજનાના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને ગંભીર બીમારીઓની સારવારમાં
આર્થિક રાહત મળી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લાના મિયાણી ગામના નાગરિક મેણદભાઈ
નાગાભાઈ વાઘેલા માટે પણ આ યોજના આશીર્વાદરૂપ બની છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના લાભાર્થી મેણદભાઈએ જણાવ્યું હતું કે
તેમને હૃદયની ગંભીર તકલીફ ઊભી થઈ ત્યારે ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરાવી હતી, ત્યારે તબીબીએ તપાસ બાદ સારવાર અને
સર્જરી માટે અંદાજે રૂ. 2 લાખ જેટલો મોટો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જો કે મેણદભાઈ જેવા
સામાન્ય ગ્રામીણ પરિવારના વ્યક્તિ માટે આટલી મોટીખર્ચ કરવી શક્ય ન હતી. આ સમયે તેમણે સરકારની યોજનાનો લાભ લેવા માટે
આયુષ્માન કાર્ડ કઢાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ કઢાવ્યા બાદ વોકહાર્ટ
હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને હૃદયમાં
બે સ્ટેન્ડ મૂકવામાં આવ્યાં હતાં. જેનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો હતો તેમજ દવાઓ
અને મુસાફરીના પણ પૈસા ચૂકવવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમણે તાજેતરમાં જ જામનગર
ખાતે હર્નીયા ઓપરેશન પણ કરાવ્યું હતું. લાભાર્થી મેણદભાઈએ સરકારશ્રીની યોજનાનો
આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ માટે આ યોજના ખૂબ લાભદાયી
સાબિત થઈ રહી છે.આ માટે તેમણે ગુજરાત
સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.”
ઉલ્લેખનીય છેકે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય
યોજના જેવી આરોગ્યલક્ષી પહેલો જરૂરિયાતમંદ પરિવારોને ગંભીર બીમારીઓની સારવાર
દરમિયાન આર્થિક બોજમાંથી રાહત આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya