


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)ચાણસ્માથી જગતજનની મા અંબાના દર્શનાર્થે પગપાળા નીકળેલા પદયાત્રીઓનું યાત્રાના પ્રથમ દિવસે પાટણ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે પાટણ બાર ગામ સમાજ અને ચાણસ્માના લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ દ્વારા પદયાત્રીઓના સન્માનમાં રાત્રિભોજન સમારંભ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓનું પુષ્પો અને આત્મીયતા સાથે સ્વાગત કરી તેમના માટે રાત્રિભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને સભ્યોએ પદયાત્રીઓ સાથે મુલાકાત કરી તેમની યાત્રા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ બાર ગામ સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાણસ્માથી અંબાજી દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓની સેવા અને સત્કાર કરવાની તક મળી તે આનંદની વાત છે. સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાભાવની ભાવના જળવાઈ રહે તે માટે આવા સેવાકીય અને સ્નેહમિલનના કાર્યક્રમો યોજાતા રહેવા જોઈએ.
રાત્રિભોજન અને સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદયાત્રીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તમામ પદયાત્રીઓએ મા અંબાના જયઘોષ સાથે ઉત્સાહભેર પોતાના આગામી મુકામ તરફ પ્રયાણ કર્યું હતું. આ સેવાભાવી આયોજનથી પદયાત્રીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ