
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 1 મહિલાએ કૌટુંબિક દિયર પ્રવિણ પટણી સામે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવા, અપશબ્દો બોલવા અને બળજબરી કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન આશરે 11 વર્ષ પહેલાં થયા હતા અને તેને 1 પુત્રી તથા 1 પુત્ર છે. પતિ મજૂરીકામ માટે બહારગામ રહેતા હોવાથી પ્રવિણ તેમના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે મહિલાને પ્રેમ અને લગ્નની લાલચ આપી ગામની સીમમાં શરીર સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આશરે 3 વર્ષ પહેલાં પતિને જાણ થતાં સામાજિક રીતે છૂટાછેડા થયા હતા.
મહિલાના જણાવ્યા મુજબ, છૂટાછેડા બાદ પણ પ્રવિણ તેને ગામની આસપાસની અવાવરુ જગ્યાએ બોલાવી શરીર સંબંધ બાંધતો હતો. મહિલાએ લગ્ન અથવા મૈત્રી કરાર કરવાની માગણી કરી હતી, પરંતુ પ્રવિણ તૈયાર થયો નહોતો. દરમિયાન 25 ઓક્ટોબર 2026ના રોજ બપોરે પ્રવિણે મહિલાને ગામના રસ્તા પર બોલાવી હતી. મહિલાએ પોતાની પુત્રી સાથે રહેવા માટે લગ્ન અથવા મૈત્રી કરાર કરવાની વાત કરતાં પ્રવિણે તેને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ છે.
આરોપ મુજબ, ત્યારબાદ પ્રવિણ મહિલાને નજીકના નાના મંદિર પાસે આવેલી બાવળની ઝાડીમાં લઈ ગયો હતો અને મહિલાના ઇનકાર છતાં તેની સાથે બળજબરી કરી હતી. આ બનાવ અંગે પરિવારજનોએ પ્રવિણને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ન માનતાં આખરે મહિલાએ સરસ્વતી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવિણ પટણી સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ