
તાપમાનમાં ફેરફાર અને મૃતદેહોની સ્થિતિ અંગે આરોપ-પ્રત્યારોપ; કંપનીને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી બાદ રિપેરિંગની કામગીરી
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ટેકનિકલ ખામી સર્જાતા બે મૃતદેહ બગડી ગયા હોવાના આરોપ વચ્ચે નવો વિવાદ સર્જાયો છે. અહેવાલો અનુસાર તાપમાનમાં ફેરફાર થતા બે દિવસમાં બે મૃતદેહને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ હોસ્પિટલ તંત્રએ મૃતદેહો અગાઉથી જ ડીકંપોઝ અવસ્થામાં હોવાનો બચાવ કર્યો છે અને ભવિષ્યની વ્યવસ્થા માટે ૭૨ કેબિનેટના નવા કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટની તૈયારી દર્શાવી છે.
અહેવાલો મુજબ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં માઈનસ ૧૦ ડિગ્રીને બદલે ૧૨ થી ૧૩ ડિગ્રી તાપમાન થઈ જતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને બે દિવસમાં બે મૃતદેહ સડી ગયા હોવાની વિગતો સામે આવી હતી. દિવાળી પહેલા બનેલી આ ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું અને વિવાદ ટાળવા અગાઉથી જ અજાણ્યા અથવા વાલી-વારસ વગરના મૃતદેહોનો સંગ્રહ કરવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અગાઉ બે મૃતદેહ બદલાવાની ઘટના બાદ હવે કોલ્ડ સ્ટોરેજની ખામીના કારણે હોસ્પિટલની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે. છ મૃતદેહ સાચવી શકાય તેવા કોલ્ડ સ્ટોરેજ રૂમના બેથી ત્રણ બોક્સમાં ખામી સર્જાઈ હતી, પરંતુ ગુજરાત બહારની કંપની રિપેરિંગ માટે આનાકાની કરતી હોવાથી સમસ્યા લંબાઈ હતી. લેખિત અને ટેલિફોનિક જાણ કર્યા છતાં તાત્કાલિક પગલાં ન લેવાતા અંતે કંપનીને બ્લેક લિસ્ટ કરવાની ધમકી આપ્યા બાદ રિપેરિંગ કામગીરી કરાવવાની ફરજ પડી હતી.
આ મુદ્દે સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દુસરાએ સ્પષ્ટતા કરી છે કે મૃતદેહ સડી ગયા હોવાની વાતમાં તથ્ય નથી. તેમના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોના મૃતદેહ ઘણી વખત નદી કે કૂવામાંથી મળે છે, જે અગાઉથી જ ડીકંપોઝ અવસ્થામાં હોય છે. પોસ્ટમોર્ટમ બાદ આવી અજ્ઞાત અથવા વાલી-વારસ વગરની લાશોને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવતી હોવાથી કદાચ તેના વિઝ્યુઅલ સામે આવ્યા હોઈ શકે છે અને આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. તાપમાન અને રિપેરિંગ અંગે જણાવતા તેમણે કહ્યું કે કોલ્ડ સ્ટોરેજના તાપમાનનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે. આશરે દસેક દિવસ પહેલાં તાપમાનમાં ફ્લક્ચ્યુએશન જોવા મળતા તરત જ કંપનીના કર્મચારીઓને બોલાવી રિપેરિંગ કરાવી લેવામાં આવ્યું હતું. હાલમાં નવા કોલ્ડ સ્ટોરેજ રૂમના આઠેય કેબિનેટ કાર્યરત હોવાનું અને કોઈ સમસ્યા ન હોવાનું તેમણે જણાવ્યું છે.
હિસાબી અધિકારી એમ એસ. રોયે પણ મૃતદેહો બગડી ગયા હોવાની વાત નકારી કાઢી છે, પરંતુ તેમના નિવેદનમાંથી ટેકનિકલ ખામી અને તાપમાનમાં ફેરફારની બાબત સ્પષ્ટ થઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે નદી કે કૂવામાંથી મળી આવતા મૃતદેહો ઘણી વખત પહેલેથી જ ડીકંપોઝ અવસ્થામાં આવે છે અને અજ્ઞાત મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રખાય છે, જેના કારણે આવી વાત સામે આવી હોઈ શકે છે તેમજ લેખિતમાં કોઈ ફરિયાદ આવી નથી. જોકે તેમણે સ્વીકાર્યું કે આશરે ૧૦ દિવસ પહેલાં કોલ્ડ સ્ટોરેજમાં ખામી સર્જાઈ હતી અને માઈનસ તાપમાનની રેન્જમાં ફ્લક્ચ્યુએશનનો મુદ્દો હતો, જેનું કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવ્યું હતું.
ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મોટી વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. અહેવાલ મુજબ સરકાર દ્વારા સૌરાષ્ટ્રના સૌથી મોટા, ૫૦ મૃતદેહ સાચવી શકે તેવા ત્રણ માળના નવા કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ RMO હર્ષદ દુસરા તેમજ હિસાબી અધિકારી એમ એસ. રોયે જણાવ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ડિવિઝન માટે ભવિષ્યમાં કોઈ અગવડ ન પડે તે હેતુથી ત્રણ માળમાં ૭૨ કેબિનેટ ધરાવતા નવા કોલ્ડ સ્ટોરેજની તૈયારી ચાલી રહી છે, જેનાથી આગામી સમયમાં મૃતદેહોની સાચવણી માટેની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt