
શિવ હાઈડ્રોમેટમાંથી મુંબઈ મોકલેલા ડંગસ્ટન સ્ક્રેપના કન્ટેનરમાંથી 300 કિલો માલ ઓછો પહોંચ્યો : પ્લાન્ટ મેનેજર પ્રતીક ત્રિવેદી (ઉ.વ.37)ની બેલડી સામે ફરિયાદ
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : લોધિકાના માખાવડ ગામે આવેલી શિવ હાઈડ્રોમેટ કંપની સાથે રૂ.38.10 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કંપનીમાંથી મુંબઈ મોકલવામાં આવેલા ડંગસ્ટન સ્ક્રેપના જથ્થામાંથી 300 કિલો માલ ઓછો પહોંચ્યો હતો. ટ્રાન્સપોર્ટના માલિક અને મુંબઈની કંપનીના રિસિવિંગ ઇન્ચાર્જે કાંટાચીઠી વગર માલનું વજન કરી માલ બારોબાર સગેવગે કરી નાખ્યો હતો. આ અંગે ગઈકાલે કંપનીના પ્લાન્ટ મેનેજરની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા અને માખાવડ ગામે આવેલી શિવ હાઈડ્રોમેટ કંપનીમાં વર્ષ 2022થી પ્લાન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતિક ગીરીશ ત્રિવેદી (ઉ.વ.37)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નવી મુંબઈની ટોની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લી.ના ડિસ્પેચ ઇન્ચાર્જ સચીન જાદવ અને ભિવંડીના સ્વામી ટ્રાન્સપોર્ટના માલિક સ્વામીજીનું નામ આપ્યું હતું. આ ફરિયાદના આધારે લોધિકા પોલીસે બીએનએસની કલમ 316(5), 316(3) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.8 ઓક્ટોબરના રોજ કંપનીમાં વિવિધ કેમિકલ તથા પાવડર બનાવવાની કામગીરી માટે જરૂરી ડંગસ્ટન સ્ક્રેપ મુંબઈની ટોની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લી.માં મોકલવાનો હતો. આ કામગીરી માટે કંપનીના માલિક દેવલાઈ વીરમગામાએ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે આવેલી સ્વામી ટ્રાન્સપોર્ટ સર્વિસના માલિક સ્વામીજીનો સંપર્ક કરી કન્ટેનરની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ કંપનીમાંથી 5071 કિલો સ્ક્રેપ કન્ટેનરમાં ભરી મોકલવામાં આવ્યો હતો અને આ માલની જવાબદારી મુંબઈની કંપનીના રિસિવિંગ ઇન્ચાર્જ સચીન જાદવને સોંપવામાં આવી હતી.
મુંબઈ ખાતે માલ પહોંચ્યા બાદ વજનમાં તફાવત હોવાનું ધ્યાનમાં આવતાં કંપનીના મેનેજરે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી મોકલવામાં આવેલા જથ્થા અને મુંબઈ ખાતે પહોંચેલા માલના વજન વચ્ચે 300 કિલોનો તફાવત હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ટ્રાન્સપોર્ટના માલિક સાથે વાતચીત કરતાં તેમણે કન્ટેનરમાં માલ કાંટાચીઠી વગર ઓછો કરવામાં આવ્યો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ મુંબઈની કંપનીના રિસિવિંગ ઇન્ચાર્જ સચીન જાદવનો સંપર્ક કરતાં તેમણે પણ પૂરો માલ મળ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, મેનેજરને આ બાબતે શંકા જતાં કંપનીના માલિકને જાણ કરી હતી અને માલિક દેવલાઈ વીરમગામાએ પણ બંને શખ્સો સાથે વાતચીત કરી તપાસ કરતાં વજનમાં તફાવત હોવાનું જણાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં બંનેએ એકબીજાની મદદથી કન્ટેનરમાંથી 300 કિલો સ્ક્રેપ ઓછો કરી રૂ.38.10 લાખની છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતાં અંતે સચીન જાદવ અને સ્વામી ટ્રાન્સપોર્ટ સર્વિસના માલિક સ્વામીજી સામે ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે વધુ તપાસ લોધિકાના ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ.સરવૈયા ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt