
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલી કૈલાશ ટેકરી ખાતે પ્રકૃતિરક્ષા, વેદજ્ઞાન અને રાષ્ટ્રધર્મના સંદેશ સાથે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ આ સ્થળે મોરારીબાપુની કથાનું આયોજન થયું હતું. કૈલાશ ટેકરીના પૂર્વ મહંત વિજયગીરી બાપુની ૨૧મી તિથિ નિમિત્તે મહંત લાલગીરી બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં અંદાજે ૫૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જળક્રાંતિ અને ગોક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ જળસંચય, ગૌપાલન, પ્રાકૃતિક ખેતી, દેશી બીજનું સંરક્ષણ અને ગ્રામવિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ચેકડેમ અને તળાવોના નિર્માણ દ્વારા જળરક્ષણ, દેશી ગાયનું પાલન તથા ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. વ્યસનમુક્તિ અને સમાજ ઉપયોગી કાર્યોને પ્રાથમિકતા આપવા પણ ભાર મૂક્યો હતો.
તેમણે ધર્મસ્થાનોમાં ચાર વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, રામાયણ અને ભગવદ્ગીતાના જ્ઞાનનો પ્રસાર કરી સમાજને જ્ઞાનવાન, કર્મયોગી અને રાષ્ટ્રભક્ત બનાવવાની હાકલ કરી હતી. આ પ્રસંગે ૧૦૦ સાધુ-સંતોએ પોતાના ધર્મસ્થાનોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે જ્ઞાનસભા યોજવાનો સંકલ્પ લીધો હતો.
કૈલાશ ટેકરી ખાતે જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગથી એક તળાવ અને ૧૦૦ પ્રકારના દેશી આંબાનું આમ્રવન બનાવવાનો પણ સંકલ્પ કરાયો હતો. સંતો અને વિદ્વાનોને ગોવેદ, કૃષિસંહિતા તથા જળક્રાંતિ ગ્રંથોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૧૦,૦૦૦ લોકોને ચુરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું. સ્વયંસેવકોની નિષ્કામ સેવાથી ધર્મસભા પ્રેરણાસભા બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA