
સુરત, 19 નવેમ્બર (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ત્રિપુરી નગરમાં ગલીમાં રમી રહેલા 6 વર્ષના સાહિલ કુમાર પર અચાનક એક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલ પર બચકાં ભરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
બાળકના પિતા પ્રેમ સાગરના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર પર હુમલો થયો ત્યારે તે ઘરની બહાર ગલીમાં રમી રહ્યો હતો. વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા શ્વાન ફરતા હોવાથી સ્થાનિક પરિવારોમાં ચિંતા વધી છે. ખાસ કરીને નાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ભયનો માહોલ છે. રહીશોએ તંત્ર સમક્ષ આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે.
આ ઘટના વચ્ચે એક ચોંકાવનારી બાબત એ છે કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં આ વિસ્તારમાં રખડતા શ્વાનના ત્રાસ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. બાળકના પિતાએ પણ અગાઉ પાલિકામાં ફરિયાદ કરી ન હોવાનું જણાવ્યું હતું. હવે સ્થાનિક લોકોની માગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક તપાસ કરી રખડતા શ્વાનને નિયંત્રિત કરવા જરૂરી કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે