
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે બીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાથી પધારેલા ઉત્તમપ્રિય સ્વામી અને નિત્ય સેવાદાસ સ્વામી મહાપૂજામાં જોડાયા હતા અને ઉપસ્થિત હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
પાટોત્સવ નિમિત્તે મેસર સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. સૌએ ભગવાનનાં દર્શન કરી મહાપૂજામાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે હરિભક્તોએ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન નિરીક્ષક શ્રી જયંતીભાઈ પટેલ તથા મંદિરના કાર્યકરોના સહયોગથી કરવામાં આવ્યું હતું. મહાપૂજા પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌએ લાભ લીધો હતો. પાટોત્સવના આ આયોજનથી ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ