

પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)ચાણસ્મા શહેરમાં મામલતદાર કચેરીથી બસ સ્ટેન્ડ અને ચાણસ્મા સર્કલ સુધીના માર્ગ પર ફૂટપાથ પર શાકભાજી-ફળની લારીઓ તથા ગલ્લાઓ ઊભા રહેતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મામલતદાર કચેરીની બહાર અને સામે આવેલા કોમ્પ્લેક્સ પાસે કાર પાર્કિંગને કારણે રસ્તા પર અવરજવર માટેની જગ્યા પણ ઓછી થઈ જાય છે.
ચાણસ્મા બસ સ્ટેન્ડની બહાર ફૂટપાથ પર લારીઓ અને ગલ્લાઓના દબાણને કારણે મુસાફરોને બસમાં ચઢવા-ઉતરવામાં તેમજ બસ સ્ટેન્ડના ગેટ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. ફૂટપાથ પર દબાણ હોવાથી રાહદારીઓને મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. બીજી તરફ નવગજાપીર સુરાણી વાડીની બહાર ગૌરવપથના મુખ્ય માર્ગ પર પણ વાહનોના પાર્કિંગની સમસ્યા જોવા મળે છે. અહીં ડિવાઇડર પૂરું થતું હોવાથી સુરાણી વાડી અને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓની અવરજવરમાં અડચણ ઊભી થાય છે.
આ વિસ્તારમાં સરકારી કચેરીઓ, કોમ્પ્લેક્સ અને બસ સ્ટેન્ડ હોવાથી લોકોની સતત અવરજવર રહે છે. તેમ છતાં ફૂટપાથ પરનાં દબાણો અને જાહેર રસ્તા પરના પાર્કિંગથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા અને સંબંધિત તંત્ર સમક્ષ ફૂટપાથ પરથી લારીઓ અને ગલ્લાઓ હટાવવા, આડેધડ પાર્કિંગ બંધ કરાવવા તેમજ જરૂરી સ્થળોએ નો-પાર્કિંગ ઝોન જાહેર કરી કડક અમલ કરાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ