
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં દારૂ, ગાંજો અને જુગારના અડ્ડાઓ કાયમી બંધ કરાવવાની માંગ સાથે ગ્રામજનો, મહિલાઓ અને ગ્રામ પંચાયત દ્વારા નાયબ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામલક્ષી કાર્યવાહી ન થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગ્રામ પંચાયતનાં સરપંચ સુનિતાબેન પ્રવિણકુમાર જેઠીએ મહિલાઓની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, દેલમાલ ગામમાં પુરાતત્વ વિભાગ હેઠળનું પ્રાચીન લીંબજા માતાજીનું મંદિર અને વ્હોરા સમાજનું યાત્રાધામ હસનપીર દરગાહ આવેલાં છે. અહીં હિન્દુ-મુસ્લિમ સમાજના હજારો યાત્રાળુઓ દર્શન માટે આવે છે. તેમ છતાં હસનપીર દરગાહ, તળાવની પાળે, હનુમાન દાદાના મંદિર પાસે, સ્મશાન, વાછડા દાદાના મંદિર પાસે, બસ સ્ટેન્ડ, રામાપીર મંદિર સહિતના વિસ્તારોમાં દારૂ અને ગાંજાનું વેચાણ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મહિલાઓએ જણાવ્યું હતું કે, નશામાં ધૂત લોકો જાહેર રસ્તાઓ પર હંગામો કરે છે અને વડીલોને અપમાનિત કરે છે. સંતોકબેનના આક્ષેપ મુજબ, પોલીસ ગામમાં આવે છે, પરંતુ નશાખોરોને રસ્તામાં જ છોડી દે છે. જેના કારણે તેઓ ઘરે જઈ પરિવારજનોને પડકારે છે. યુવાનો રૂ.500-500ના ગાંજા અને દારૂની ખરીદી કરીને બરબાદ થઈ રહ્યા છે. નશીલા પદાર્થો શાકભાજીની થેલીઓમાં છુપાવીને વેચવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ગામની આશરે 90 ટકા વસ્તી ઓબીસી અને એસસી સમાજની છે અને લોકો ખેતી, પશુપાલન તથા ખેતમજૂરી પર નિર્ભર છે.
આ મામલે સરપંચના પતિ પ્રવીણ જેઠીએ જણાવ્યું હતું કે, ગામમાં દારૂનું વેચાણ બેફામ બન્યું છે અને નશાની હાલતમાં યુવાનો જાહેરમાં અર્ધનગ્ન અવસ્થામાં પડ્યા રહેતા હોવાથી ગામની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. નશાના વધતા દૂષણથી યુવાનો અને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરે ગામમાં આ દૂષણ કાયમી ધોરણે બંધ કરાવવા કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું તેમજ ભવિષ્યમાં ગેરકાયદેસર વેચાણ ચાલુ રહે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ