
અમરેલી,19 નવેમ્બર (હિ.સ.)
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતો માટે કેરીનો પાક આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને અમરેલી અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો હાલ ચાલુ સિઝનમાં આંબામાં ફ્લાવરિંગ ક્યારે આવશે અને આ વર્ષે કેરીનું ઉત્પાદન કેટલું થશે તેને લઈને ચિંતિત બન્યા છે. શું આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ મોડું આવશે? શું કેરીનું ઉત્પાદન ઓછું રહેશે? અને જો ઉત્પાદન ઘટશે તો બજારમાં કેરીના ભાવમાં વધારો થશે? આવા અનેક સવાલો ખેડૂતોના મનમાં ઉઠી રહ્યા છે.
આ અંગે બાગાયત અધિકારી કરમુરે ખેડૂતોને મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આંબાના પાકમાં સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાની વચ્ચે ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો હોવાથી આ વર્ષે કેટલા પ્રમાણમાં ફ્લાવરિંગ આવશે અને ક્યારે આવશે તે અંગે અત્યારથી ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંબામાં સામાન્ય રીતે પાંચ મહિનાથી વધુ સમય જૂની થયેલી ડાળીઓ ઉપર ફ્લાવરિંગ આવતું હોય છે. આ ઉપરાંત આંબામાં ફ્લાવરિંગ આવવા માટે રાત્રિનું તાપમાન 17થી 18 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવું જરૂરી પરિબળ ગણાય છે. જ્યારે દિવસનું તાપમાન સામાન્ય રીતે 15થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેતું હોય ત્યારે આંબામાં ફ્લાવરિંગ આવવાની અનુકૂળ સ્થિતિ સર્જાતી હોય છે.
ખાસ કરીને તાપમાનમાં થતો ફેરફાર આંબાના ફ્લાવરિંગ ઉપર સીધી અસર કરી શકે છે. જેના કારણે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહે છે તેના આધારે આંબામાં ફ્લાવરિંગની સ્થિતિ સ્પષ્ટ થશે.
આ ઉપરાંત ફ્લાવરિંગની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ પણ કરી શકાય છે. બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે 2 ટકા પોટેશિયમ નાઇટ્રેટના છંટકાવથી ફ્લાવરિંગને એકસાથે લાવવામાં એટલે કે સિંક્રોનાઇઝ કરવામાં મદદ મળી શકે છે.
જોકે, ચાલુ સિઝનમાં કેરીનું ઉત્પાદન ઘટશે કે વધશે, ફ્લાવરિંગ મોડું આવશે કે સમયસર થશે અને આગામી સમયમાં કેરીના બજારભાવ કેવા રહેશે તે અંગે હાલમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય તેમ નથી.
હવે ખેડૂતોની નજર આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના હવામાન અને આંબાના બગીચામાં થનારા ફ્લાવરિંગ ઉપર મંડાયેલી છે. આંબામાં સમયસર અને સારું ફ્લાવરિંગ થાય તો જ આગામી કેરીની સિઝનમાં સારા ઉત્પાદનની આશા રાખી શકાય તેમ છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai