
જુનાગઢ,19 નવેમ્બર (હિ.સ.) ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો ભાવિકોને આરોગ્યલક્ષી તકલીફના સમયે તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમાના સમગ્ર રૂટ સહિત ભવનાથ વિસ્તારમાં ચોવીસ કલાક અવિરત તબીબી સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને સિવિલ હોસ્પિટલના સંકલનથી કુલ ૩૫ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનોજ સુતરિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાના રૂટ પર 10 કામચલાઉ દવાખાનાં શરૂ કરવામાં આવશે. જેમાં મેડિકલ ઓફિસર સહિતનો જરૂરી સ્ટાફ ઉપલબ્ધ રહેશે અને ભાવિકોને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત 6 આયુષ મેડિકલ ઓફિસરની ટીમો તથા ચાલુ વર્ષે વધારાની 19 પેરામેડિકલ ટીમો પણ આરોગ્ય સેવાઓમાં જોડાશે. આમ, કુલ 35 મેડિકલ ટીમો દ્વારા અંદાજે 22.3 તબીબી અને પેરામેડિકલ સ્ટાફના સહયોગથી ભાવિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
પરિક્રમા દરમિયાન કોઈ ભાવિકને વધુ સારવારની જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક નજીકના દવાખાને અથવા જરૂર જણાય તો સિવિલ હોસ્પિટલમાં ખસેડી શકાય તે માટે 11 ઍમ્બ્યુલન્સ ઉપરાંત 108 ની 4 ઍમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.
ડો. સુતરિયાએ ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગિરનારના જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાન ખૂબ નીચું રહેતું હોવાથી ઠંડીની અસરથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઊભી થઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ હૃદય અને ફેફસાંની બીમારી ધરાવતા વ્યક્તિઓએ પોતાની તબિયત અને ઠંડા વાતાવરણને ધ્યાને રાખીને પરિક્રમામાં આવવાનું ટાળવું હિતાવહ છે.
પરિક્રમામાં આરોગ્ય સેવાઓ સુચારુ રીતે પૂરી પાડી શકાય તે માટે ફરજ પર નિયુક્ત પિરામિડિકલ સ્ટાફને તેમની ફરજ અને જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કટોકટીના સમયે દર્દીને તાત્કાલિક પ્રાથમિક સહાય આપી શકાય તે હેતુથી સ્ટાફને સીપીઆર (CPR) તાલીમ પણ આપવામાં આવી હતી. આ તાલીમથી પરિક્રમા દરમિયાન કોઈ ભાવિકને અચાનક હૃદય સંબંધિત તકલીફ કે અન્ય તબીબી કટોકટી સર્જાય ત્યારે સમયસર જીવનરક્ષક પ્રાથમિક સહાય પૂરી પાડવામાં આરોગ્ય કર્મચારીઓ વધુ સક્ષમ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ