
છારી ઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર પર રોક લગાવવા પોલીસની કવાયત તેજ, નિરોણાની ઉત્તરાદી સીમમાંથી હથિયાર સાથે 48 વર્ષીય શખ્સ ઝડપાયો
કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : કચ્છના અભ્યારણ્ય વિસ્તારોમાં વન્યજીવો અને વિદેશી યાયાવર પક્ષીઓના ગેરકાયદેસર શિકારની પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી રહી છે. ત્યારે નિરોણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નિરોણા ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાંથી પોલીસે એક ઇસમને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.આહીર સહિતની ટીમ નિરોણા ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાં તપાસમાં હતી. આ દરમિયાન હુસેન સાહુ સોરા (ઉંમર 48 વર્ષ, રહે. નિરોણા, તા. નખત્રાણા) નામના ઇસમને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી અંદાજે રૂ.1,000ની કિંમતની એક દેશી બંદૂક કબજે કરી હતી. પ્રાથમિક પોલીસ કાર્યવાહી દરમિયાન શખ્સ શિકારના ઇરાદે નીકળ્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ મામલે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નિરોણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છારી ઢંઢ વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે. આ વિસ્તારમાં અગાઉ પણ પક્ષીઓના શિકારના બનાવો અંગે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પક્ષીઓ અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.જાડેજા, પીએસઆઈ કે.એચ.આહીર, એએસઆઈ વિશ્વજીતસિંહ કુંપાવત, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કાનાણી, કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ વાઘેલા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. અભ્યારણ્ય અને છારી ઢંઢ વિસ્તારમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે નિરોણા પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar