માછીમારીની 9 બોટના બોગસ GST બિલ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો: મુન્દ્રામાંથી બિલો મેળવી આપનાર શખ્સની SOGએ કરી ધરપકડ
સરકારી કચેરીઓમાં બનાવટી દસ્તાવેજોના આધારે બોટ રજિસ્ટ્રેશન અને મત્સ્યોદ્યોગ વિભાગના કોલ મેળવવાનું કૌભાંડ; અત્યાર સુધીમાં 10 આરોપીઓ બાદ વધુ એકની ધરપકડથી તપાસમાં નવો વળાંક કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : કચ્છના દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે ઉપયોગમાં લેવ
બોગસ બિલ કેસમાં ઝડપાયેલા આરોપી


સરકારી કચેરીઓમાં બનાવટી દસ્તાવેજોના આધારે બોટ રજિસ્ટ્રેશન અને મત્સ્યોદ્યોગ વિભાગના કોલ મેળવવાનું કૌભાંડ; અત્યાર સુધીમાં 10 આરોપીઓ બાદ વધુ એકની ધરપકડથી તપાસમાં નવો વળાંક

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : કચ્છના દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે ઉપયોગમાં લેવાતી બોટોના રજિસ્ટ્રેશન અને સરકારી લાભ મેળવવા માટે બનાવટી GST બિલોનો ઉપયોગ કરવાના કૌભાંડમાં પૂર્વ કચ્છ SOGને વધુ એક સફળતા મળી છે. આ સમગ્ર પ્રકરણમાં અગાઉ 10 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ હવે બોગસ બિલો મેળવી આપવામાં મદદ કરનાર વધુ એક સહઆરોપીને મુન્દ્રામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. SOGની આ કાર્યવાહીથી કૌભાંડ સાથે સંકળાયેલી વધુ કડીઓ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, માછીમારીની બોટો માટે જરૂરી દસ્તાવેજો ઊભા કરવા આરોપીઓ દ્વારા ભાવનગરની વરણી કોર્પોરેશન અને ગાંધીધામની માહેશ્વરી મશીન ટુલ્સ એજન્સી પાસેથી બોગસ બિલો તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ બિલોમાં આરોપીઓએ પોતાની સહીઓ કરી હતી અને તેના પર નિયત GSTની ચુકવણી કર્યા વિના સરકારી પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

આ બનાવટી દસ્તાવેજોના આધારે બોટોના રજિસ્ટ્રેશન કરાવવા ઉપરાંત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી માછીમારી માટે જરૂરી કોલ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. દસ્તાવેજો બનાવટી હોવાની જાણ હોવા છતાં સરકારી કચેરીઓમાં તેને અસલ તરીકે રજૂ કરી સરકારી કામકાજમાં ઉપયોગ કરાયો હોવાની ફરિયાદના આધારે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન SOGની વધુ તપાસમાં બોગસ બિલો મેળવી આપવામાં ભૂમિકા ભજવનાર મહેમુદશા કરીમશા સૈયદ (ઉંમર 35 વર્ષ)નું નામ સામે આવતાં તેને મુન્દ્રા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ સાડાઉ ગામનો રહેવાસી અને હાલ ધ્રબ ખાતે રહેતો આ શખ્સ ખાનગી નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના તથા SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. SOGની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. માછીમારીની બોટોના દસ્તાવેજો સાથે જોડાયેલા આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને બનાવટી બિલો તૈયાર કરાવવા પાછળનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તે દિશામાં હવે પોલીસ તપાસ આગળ વધશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande