
ભાવનગર, 02 નવેમ્બર (હિ.સ.)ભાવનગરની રેડક્રોસ બ્લડ બેન્કમાં હાલ તમામ બ્લડ ગ્રુપના રક્તની અછત જોવા મળી રહી છે. તહેવારોની રજાઓ અને જાહેર કાર્યક્રમોના વધતા આયોજન વચ્ચે દર્દીઓને રક્તની સતત જરૂરિયાત રહેતી હોવાથી સ્વૈચ્છિક રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગરના દીવાનપરા રોડ પર બાર્ટન લાઇબ્રેરી સામે આવેલી રેડક્રોસ સોસાયટી ખાતે કાર્યરત બ્લડ સેન્ટરમાં સગર્ભા મહિલાઓ, ઓપરેશન કરાવતા દર્દીઓ, ઓછું હિમોગ્લોબિન ધરાવતા દર્દીઓ, બ્લડ કેન્સર, થેલેસેમિયા, હિમોફિલિયા અને કિડની ફેલ્યોર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓને રક્તની જરૂરિયાત રહે છે.
રેડક્રોસ બ્લડ સેન્ટરની વિશેષતા એ છે કે અહીં દર્દીઓને રક્ત આપતી વખતે બદલામાં રક્ત જમા કરાવવાની શરત રાખવામાં આવતી નથી. જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ બદલાની અપેક્ષા વિના રક્ત પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત થેલેસેમિયા મેજરથી પીડાતા આશરે 100 બાળકોને નિયમિત રક્ત પૂરું પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
સંપૂર્ણપણે સ્વૈચ્છિક રક્તદાનના સહયોગથી કાર્યરત આ બ્લડ સેન્ટરમાં આગામી દિવાળીની રજાઓ દરમિયાન પણ રક્તની જરૂરિયાત યથાવત્ રહેવાની હોવાથી નાગરિકોને આગળ આવી રક્તદાન કરવા અપીલ કરાઈ છે.
ઇચ્છુક રક્તદાતાઓ રેડક્રોસ સોસાયટી, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે રક્તદાન કરી શકે છે. શહેરી વિસ્તારમાં પાંચથી વધુ રક્તદાતાઓ એકત્ર થાય તો રેડક્રોસની ટીમ સ્થળ પર આવી રક્તદાન સ્વીકારશે. આ માટે 9429406202, 9537952929 અને 98265566642 નંબર પર સંપર્ક કરી શકાય છે.
રક્તદાનના સેવાકાર્યમાં સહભાગી બની અનેક માનવજિંદગી બચાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA