
ભાવનગર,02 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ગરાજીયા ગામેથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાના મળી કુલ 14,770 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાડેજાને બાતમી મળી હતી કે પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે જગદીશભાઈ વાલજીભાઈ પરમારના પ્લોટમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા.
પોલીસે સંજયભાઈ બોઘાભાઈ વાઘેલા, સુરેશભાઈ કાળુભાઈ ચૌહાણ, નારૂભાઈ જીવાભાઈ રામાણી, મેરૂભાઈ ગોબરભાઈ મકવાણા, જાહિદભાઈ દોલુભાઈ શેખ અને વિશાલભાઈ ગોરધનભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે પ્લોટના માલિક જગદીશભાઈ વાલજીભાઈ પરમારને ઝડપી પાડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના અને રોકડ 14,770 રૂપિયા કબજે કર્યા હતા. આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA