
સુરત, 20 નવેમ્બર (હિ.સ.): સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 21 વર્ષીય એન્જિનિયર અમન કુમારનું મોત નીપજ્યું છે. મૂળ અન્ય રાજ્યના વતની અમન છેલ્લા ચાર વર્ષથી સુરતમાં રહેતા હતા અને વોલ્ટાસ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેઓ કંપનીના કામ અર્થે બાઈક પર ઈચ્છાપોર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈચ્છાપોર નંબર-3 પાસે આગળ જઈ રહેલા વાહનો લઈ જતા ટ્રેલર સાથે તેમની બાઈક અથડાઈ હતી. ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં અમન રસ્તા પર પટકાતાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તેમને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમના મિત્ર માસૂમે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ અમનને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અમનના અકાળે અવસાનથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના ભાઈ પવન કુમારે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને અકસ્માત માટે જવાબદાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે તેવી પણ રજૂઆત કરી છે. બીજી તરફ, ઈચ્છાપોર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર ટ્રેલર ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે