નવસારી : ગણદેવીના અમલસાડ ખાતે આંબા અને ચીકુ પાકની ઉત્પાદકતા વધારવા અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાય
નવસારી, 20 નવેમ્બર (હિ.સ.): નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ગણદેવી તાલુકાની ''અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિ.'' ખાતે આંબા અને ચીકુ પાકની ઉત્પાદકતા વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન વિષય પર એક દિવસીય પરિસંવાદ અને તાલીમ
Farmer Training Camp Held


નવસારી, 20 નવેમ્બર (હિ.સ.): નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ગણદેવી તાલુકાની 'અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિ.' ખાતે આંબા અને ચીકુ પાકની ઉત્પાદકતા વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન વિષય પર એક દિવસીય પરિસંવાદ અને તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બદલાતા હવામાન વચ્ચે આંબા અને ચીકુ પાકની ઉત્પાદકતા તેમજ ગુણવત્તા જાળવી રાખીને વધારવા માટે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને પાક સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતગાર કરવાના મુખ્ય હેતુથી યોજાયેલી આ શિબિરમાં અમલસાડ તથા આસપાસના ગામોના 240થી વધુ ઉત્સાહી ખેડૂતોએ હાજરી આપી હતી.

તાલીમ દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. નાયકે આંબા પાક અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આંબા-ચીકુની સાથે બદલાતા હવામાનમાં અન્ય ફળપાક કોકોના વાવેતર માટે પણ પોતાનો વિચાર રજૂ કર્યો હતો.

નાયબ બાગાયત નિયામક ડી. કે.

પડાલિયા દ્વારા તાલીમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, આસ્પી કોલેજના ફળ વિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. બી. એમ. ટંડેલે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, માવજત અને ટેકનિકલ બાબતો સમજાવી હતી, તેમજ ગણદેવી ફળ સંશોધન કેન્દ્રના વડા ડો. ભટ્ટ એ ચીકુ પાકની ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી. પાક સંરક્ષણ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. પી. આર. પટેલ દ્વારા આંબા તથા ચીકુ પાકમાં થતી વિવિધ જીવાતોની ઓળખ, નુકસાન અને તેના અસરકારક નિયંત્રણ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશેષ સત્રમાં કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવે પોતાના ગુજરાત અને અન્ય દેશોમાં કરાવેલ આધુનિક ખેતીના અનુભવો ખેડૂતો સાથે વહેંચ્યા હતા અને અમદાવાદથી ઓનલાઈન જોડાયેલા APEDA ના વિષય નિષ્ણાત દ્વારા આંબા-ચીકુની નિકાસના નીતિ-નિયમો અને તેમાં મળતી APEDA ની સહાય અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત ખેડૂતોને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ તમામ તાંત્રિક માહિતીનો પોતાના ખેતરમાં અમલ કરી આંબા-ચીકુનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા તેમજ બાગાયતી ખેતીને વધુ નફાકારક બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande