નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ગામની આકસ્મિક મુલાકાત લીધી
નવસારી, 20 નવેમ્બર (હિ.સ.): જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ગામની આકસ્મિક મુલાકાત લઈ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, આરોગ્ય અને પોષણ સેવાઓ તથા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વ
surprise visit to Khund village


નવસારી, 20 નવેમ્બર (હિ.સ.): જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ગામની આકસ્મિક મુલાકાત લઈ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, આરોગ્ય અને પોષણ સેવાઓ તથા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયત ખાતે ગામની પાયાની સુવિધાઓ, નાણાપંચની ગ્રાન્ટ, આંગણવાડીઓ અને શાળાઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, આરોગ્ય સુવિધાઓ અને રેશનિંગને લગતી ફરિયાદો અંગે માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, કુપોષણની સ્થિતિ તથા SAM અને MAM કેટેગરીના બાળકો અંગે વિગતો મેળવી બાળકનું વજન અને ઊંચાઈ પણ ચકાસી હતી.

આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત દરમિયાન હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાઓની સ્થિતિ, માતા-બાળ આરોગ્યની દેખરેખ તથા મમતા દિવસની કામગીરીની સમીક્ષા કરી હતી. જોખમી ગર્ભવતી મહિલાઓને સમયસર અને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.

સરકાર માન્ય રેશનિંગ દુકાનની મુલાકાત દરમિયાન અનાજના ઉપલબ્ધ જથ્થા અને ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી હતી. દસ્તાવેજી કામગીરીમાં ચોકસાઈ જાળવવા અને નિયમિત અનુસરણ કરવા દુકાન સંચાલકને સૂચના આપી હતી. સાથે જ લાભાર્થીઓ પાસેથી મળવાપાત્ર અનાજના જથ્થા અંગે માહિતી મેળવી રેશનકાર્ડની વિગતો પણ તપાસી હતી.

આ ઉપરાંત કલેક્ટરએ CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology) સંસ્થાની મુલાકાત લઈ પ્લાસ્ટિક એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અભ્યાસક્રમો, પ્રાયોગિક તાલીમ, ટેકનિકલ સાધનો અને સંસ્થાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. CAD લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 3D પ્રિન્ટેડ નમૂનાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વર્કશોપમાં ઉપલબ્ધ ટેકનિકલ સાધનો અને પ્લાસ્ટિક મટિરિયલ્સના નમૂનાઓની જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુંગાસિયા, તાલુકા વિકાસ અધિકારી ભાવનાકુમારી યાદવ, મામલતદાર હિરેન્દ્ર મૈસુરિયા, ગામના સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande