
નાગરિકોને આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર મળી રહેશે
ગીર સોમનાથ 20 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના વિસ્તારના પ્રજાજનોના આરોગ્ય સુખાકારી માટે મહાનુભાવોના હસ્તે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ ઓ.પી.ડીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રૂમ નં.૩૦૭ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ નાથીબહેન વાજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુષ (આયુર્વેદ અને હોમિયોપેથી) ઓ.પી.ડી.નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ઓ.પી.ડીનો સમય બુધવાર અને ગુરુવાર એમ અઠવાડિયાના બે દિવસ રાખવામાં આવ્યો છે. જેનો સમય સવારે ૯ થી ૧ અને સાંજે ૩ થી ૫ નો રહેશે.
આયુષ ઓ.પી.ડી શરુ થતાં જિલ્લાના લોકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે અને આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન, નિયમિત તપાસ અને વિવિધ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી આર.ડી.ઔઠા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરુણ રોય, ક્ષય અધિકારી શિતલ રામ, સામાજિક અગ્રણીઓ નરેન્દ્રભાઈ જોટવા, ડૉ.રામભાઈ સોલંકી સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ