
ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.)ભાવનગરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આનંદનગર સ્થિત જલારામ મંદિર અને વિઠ્ઠલવાડી જલારામ મંદિર ખાતે ભજન-કીર્તન અને ભોજન પ્રસાદની સાથે માનવસેવાના ઉમદા હેતુથી આરોગ્યલક્ષી કેમ્પ યોજાયા હતા.
આ પ્રસંગે જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં કુલ ૨૮૯ દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. જ્યારે ૯૭ વ્યક્તિઓની ડાયાબિટીસ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત યોજાયેલા રક્તદાન શિબિરમાં ૪૫ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપ્યું હતું.
થેલેસેમિયા પરીક્ષણ કેમ્પમાં કુલ ૪૭ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. સાથે જ પ્રાથમિક સારવારની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ૧૮ વ્યક્તિઓએ સંકલ્પપત્રો ભર્યા હતા.
આ સમગ્ર આયોજનમાં વિવિધ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધાર્મિક આસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિઓને જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. જલારામ બાપાના 'માનવસેવા એ જ પ્રભુસેવા'ના સંદેશને સાર્થક કરતા આ આયોજન દ્વારા સમાજમાં રક્તદાન, આરોગ્ય જાગૃતિ અને અંગદાન-દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA