
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામની સીમમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે ફરતા 55 વર્ષીય ભુપતજી ધારશીજી ઠાકોરને પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પાસેથી રૂ. 2,500ની કિંમતની એક દેશી બંદૂક કબજે કરવામાં આવી છે. આ મામલે હથિયારબંધીના જાહેરનામાના અમલ માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન દાદરથી ખાખલ જતા રસ્તે બનાસ નદી નજીક બાવળોની ઝાડીમાં એક શખ્સ દેશી બંદૂક સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં રણાવાડા ગામનો રહેવાસી ભુપતજી ધારશીજી ઠાકોર પાસ-પરવાના વગરની બંદૂક સાથે મળી આવ્યો હતો.
પોલીસે ભુપતજી ઠાકોરની અટકાયત કરી દેશી બંદૂક કબજે કરી હતી. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે આરોપીને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ