

પાટણ, 20 નવેમ્બર (હિ.સ.)બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન, પાટણના સંયુક્ત ઉપક્રમે આગામી 22 નવેમ્બર, 2026ના રોજ સંડેર સ્થિત ખોડલધામ સંકુલ ખાતે ‘દીકરીનો માંડવો’ શીર્ષક હેઠળ ભવ્ય રાત્રિ સમૂહલગ્નોત્સવ યોજાશે. અંદાજે 90 વીઘા એટલે કે 23.84 લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર યોજાનારા આ સમારોહમાં 74 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે. જેમાં 3 વિદેશી યુગલો, 2 ડોક્ટર દીકરીઓ, 3 સરકારી કર્મચારી દીકરાઓ તેમજ પિતાની છત્રછાયા ગુમાવેલી 8 દીકરીઓ અને 7 દીકરાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે અંદાજે 40 હજાર સમાજબંધુઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
દાતાઓના સહયોગથી અંદાજે રૂ. 3.5 કરોડના ખર્ચે યોજાનારા આ સમૂહલગ્નમાં દરેક નવદંપતીને કન્યાદાન સ્વરૂપે રોકડ રકમ સહિત રૂ. 3.50 લાખથી વધુની કિંમતની 100થી વધુ જીવનજરૂરી વસ્તુઓ ભેટ આપવામાં આવશે. તમામ 74 યુગલો માટે વ્યક્તિદીઠ રૂ. 15 લાખની ગ્રૂપ અકસ્માત વીમા પોલિસી તેમજ સમગ્ર આયોજન માટે રૂ. 10 કરોડનો અલગ વીમો લેવામાં આવ્યો છે. સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અડીયાના જણાવ્યા મુજબ, એક દીકરીના લગ્ન પાછળ સરેરાશ રૂ. 5 લાખના ખર્ચ મુજબ પરિવારોને અંદાજે રૂ. 3.70 કરોડની આર્થિક બચત થશે.
સમગ્ર સમારોહ સ્થળને પરંપરાગત ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશદ્વાર પર ખોડિયાર માતાની પ્રતિમા, વૃક્ષો દ્વારા હરિયાળું વાતાવરણ તેમજ મહેમાનો માટે ચા-કોફી અને નાસ્તાના સ્ટોલ ઊભા કરાયા છે. લગ્નવિધિ માટે 74 અલગ-અલગ ચોરીઓ તૈયાર કરવામાં આવી છે, જેને વિશેષ ફૂલોથી શણગારવામાં આવી છે. દરેક ચોરી પાસે નવદંપતીનાં નામ અને ગામનાં નામ સાથેનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. સગા-સંબંધીઓ માટે બેઠકની પૂરતી જગ્યા તેમજ આમંત્રિત મહેમાનો માટે વિશાળ સ્ટેજ, સોફા અને ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ