
ભાવનગર,20 નવેમ્બર (હિ.સ.)૭૩મા અખિલ ભારતીય સહકારી સપ્તાહની ઉજવણી અંતર્ગત છઠ્ઠા દિવસે સર્વોત્તમ ડેરી દ્વારા સર ખાતે આવેલી સર્વોત્તમ દાણ ફેક્ટરીમાં કાર્યક્રમ યોજાયો હતો. ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડિરેક્ટરો, અધિકારીઓ, દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સફળ પશુપાલક ગોપાલભાઈ ખાંભલ્યાએ પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત બીજદાન અને પૌષ્ટિક પશુઆહારથી દૂધ ઉત્પાદન વધે છે. તેમના ૨૫થી ૩૦ ભેંસના પશુધનમાંથી આ વર્ષે સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા છ પાડીનો જન્મ થયો છે. તેઓ દરરોજ ૧૫૦થી ૨૦૦ લીટર દૂધ ડેરીમાં આપે છે.
એઆઈ વર્કર જીગર બામ્બાએ સેક્સ સોર્ટેડ સીમેનના ફાયદા સમજાવ્યા હતા. બજારમાં ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયાના મળતા ડોઝ સર્વોત્તમ ડેરી દ્વારા માત્ર ૩૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગાય કે ભેંસના વિયાણ બાદ આ રકમ પરત આપવામાં આવે છે.
ગુંદરણા દૂધ મંડળીના મંત્રી કથડભાઈ કામળિયાએ પશુપાલકોમાં જાગૃતિ લાવવા કરેલી કામગીરીની માહિતી આપી હતી. ડિરેક્ટર રાણાભાઈ કળોતરાએ દૂધના રેકોર્ડબ્રેક ખરીદ ભાવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ સેક્સ સોર્ટેડ સીમેનથી ૯૦ ટકા સુધી માદા વાછરડી કે પાડી મળવાની સંભાવના સહિતના ફાયદા સમજાવ્યા હતા.
અંતમાં એચ.આર. જોષીએ ખેતીની સરખામણીએ પશુપાલન વ્યવસાયમાં નિયમિત આવક અને ઓછા જોખમ અંગે સમજણ આપી પશુપાલનને વધુ નફાકારક બનાવવા ડેરીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA