ઉપલેટાના સાજડીયાળી ગામે યુવાન સાથે મિત્રનો દગો : ઉછીના રૂપિયાના બદલામાં 5 તોલા સોનુ ઓળવી ગયો
રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સાજડીયાળી ગામમાં મિત્રતાના નાતે વિશ્વાસઘાત કરી 5 તોલા સોનાના દાગીના ઓળવી જવાનો બનાવ સામે આવ્યો છે. બેંક તથા ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોનના દાગીના છોડાવવા અને માતાની સારવાર માટે નાણાની જરૂરિયાત
ફરિયાદ


રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સાજડીયાળી ગામમાં મિત્રતાના નાતે વિશ્વાસઘાત કરી 5 તોલા સોનાના દાગીના ઓળવી જવાનો બનાવ સામે આવ્યો છે. બેંક તથા ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોનના દાગીના છોડાવવા અને માતાની સારવાર માટે નાણાની જરૂરિયાત ઊભી થતાં મિત્ર પાસે મદદ માંગવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ મિત્રતાના દાવા વચ્ચે સોનાના દાગીના જામીન તરીકે મેળવી લીધા બાદ પરત ન આપતા ભાયાવદર પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

સાજડીયાળી ગામમાં નટરાજ હેર આર્ટ નામે દુકાન ચલાવતા 35 વર્ષીય કેતનભાઈ નટવરલાલ બગથરીયાએ રાજકોટ ખાતે દેવરખીભાઈ ગોવાભાઈ છુછરની દીકરી પાબી સાથે સવા વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નાણાકીય જરૂરિયાત ઊભી થતાં પત્નીના દાગીનામાંથી સોનાની હાંસડી ગોંડલની બેંક ઓફ ઇન્ડિયામાં, સોનાનો ચેઇન ગોંડલની મુથુટ ફાઇનાન્સમાં તેમજ બુટીયા, વીંટી અને સરીયુ રાજકોટની મણીપુરમ ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન લેવામાં આવી હતી. ત્યારબાદ આ દાગીના છોડાવવા અને માતાની તબિયત નાદુરસ્ત હોવાથી સારવારના ખર્ચ માટે ગામના મિત્ર મહેન્દ્ર શાંતિલાલ કનેરીયા પાસે મદદ માંગવામાં આવી હતી. આરોપીએ વ્યાજ વગર મિત્રતાના નાતે નાણા આપવાની તૈયારી દર્શાવી, પરંતુ આધાર તરીકે કોઈ વસ્તુ આપવાની શરત મૂકી હતી.

બીજી કોઈ જામીનગીરી ન હોવાથી પત્નીના સોનાના દાગીના આપવાની વાત થતાં આરોપીએ દાગીના લોકરમાં સુરક્ષિત રાખવાની અને નાણા મળ્યે પરત આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ 16/04/2026ના રોજ રોકડા તથા પત્નીના ખાતામાં ઓનલાઈન મળી કુલ રૂ. 2.90 લાખ આપવામાં આવ્યા હતા. આ રકમથી બેંક અને ફાઇનાન્સમાંથી દાગીના છોડાવી પાંચ તોલા દાગીના મહેન્દ્ર કનેરીયાને સોંપવામાં આવ્યા હતા, જેના બદલામાં એક અઠવાડિયા બાદ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર પત્નીના નામે લખાણ કરી આપવામાં આવ્યું હતું.

બે મહિના પહેલા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રૂ. 2.90 લાખની વ્યવસ્થા થઈ જતાં દાગીના પરત માંગવામાં આવ્યા હતા. જોકે આરોપીએ દાગીના અન્યત્ર ગીરવે મૂકી લોન લીધી હોવાનું જણાવી 15 દિવસ અને ત્યારબાદ ફરી 15 દિવસ એમ અવારનવાર મુદત માંગી દાગીના પરત કર્યા ન હતા. 20 દિવસ પહેલા રૂ. 3 લાખનો બેંક ચેક આપી 18 તારીખ સુધીમાં દાગીના પરત કરી ચેક લઈ જવા જણાવ્યું હતું, પરંતુ નિયત સમય છતાં દાગીના પરત ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ભાયાવદર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande