
બોટાદ, 20 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાની ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી અને સેવાભાવનાના બળે રાજ્યભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તાજેતરમાં ટીમે એકસાથે ચાર પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સેવાકીય કામગીરીની કદરરૂપે ટીમને સેવિયર એવોર્ડ, ઈ.એમ. કેર એવોર્ડ, ઓનેસ્ટી એવોર્ડ તેમજ ખિલખિલાટ અને HBC એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
અકસ્મિક બનાવો, માર્ગ અકસ્માત, ગંભીર બીમારીઓ અને પ્રસૂતિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં ૧૦૮ની ટીમ સમયસર સ્થળ પર પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. અનેક પડકારો વચ્ચે દર્દીઓનો જીવ બચાવવા માટે ટીમના કર્મચારીઓ સતત ખડેપગે કામગીરી કરે છે.
આ એવોર્ડ માત્ર સન્માન નથી, પરંતુ ટીમની નિષ્ઠા, પ્રમાણિકતા, સમયબદ્ધતા અને માનવતાભરી સેવાની પ્રતીતિ છે. બોટાદ જિલ્લાની ૧૦૮ ઈમરજન્સી સેવાની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. ટીમની આ સફળતા અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA