
- ઓનલાઈન ટ્રાન્ઝેકશન ફેઇલ થતાં બેંક ખાતું ખાલી થયાનો ખુલાસો : જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને જાગૃતતાના અભાવે એપીકે ફાઇલ કે ઓટીપી મેળવીને ખાતા ખાલી કરી નાખવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે જસદણ પંથકમાં પણ મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફેઇલ થયા બાદ તપાસ કરતાં ફ્રોડની જાણ થઈ હતી.
જસદણમાં વિશ્વકર્મા સોસાયટી, આસોપાલવ પાસે, વીંછિયા રોડ પર રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફરિયાદીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈ 18 ના રોજ બપોરના સમયે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતાં ટ્રાન્ઝેક્શન થયું ન હતું. આથી બેલેન્સ ચેક કરતાં ઓનલાઈન એકથી વધુ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા, જે ફરિયાદીએ કર્યા ન હતા અને તે પૈકી કેટલાક ટ્રાન્ઝેક્શન ફેઇલ પણ થયા હતા.
ત્યારબાદ બેંકમાં જઈ તપાસ કરતાં બેંક ખાતામાંથી રૂ.50 હજાર તથા રૂ.10 હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જાણ બહાર મોબાઇલ ફોન હેક કરી નાણા ટ્રાન્સફર કરી લેવા અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt