
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર ખાતે ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ) દ્વારા કચ્છના માંડવી તાલુકાના મોટા સલાયા ગામનાં પાર્વતીબેન રામજી પાંજરાણીની હત્યાના બનાવને ગંભીરતાથી લઈ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તા. 9 નવેમ્બર,
2026ના રોજ બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર ખારવા સમાજ સહિત પોરબંદર પંથકના લોકોમાં દુઃખ અને આક્રોશની લાગણી ફેલાઈ છે. આ ઘટના માત્ર એક પરિવારની વ્યક્તિગત દુર્ઘટના નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને સમાજમાં કાયદો-વ્યવસ્થાના વિશ્વાસ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન હોવાનું સમાજે જણાવ્યું હતું.
સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, હત્યાના કેસમાં આરોપીની નિષ્પક્ષ, ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ કરવામાં આવે તેમજ ગુનાને લગતા તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરી મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવે.આરોપીને કાયદા મુજબ કડકમાં કડક સજા અપાવવા અને ગુનાની ગંભીરતા તથા કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે મૃત્યુદંડની સજા થાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ તાત્કાલિક ભલામણ કરવા, તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારીકે દબાણને અવકાશ ન રહે તેની તકેદારી રાખવા અને પીડિત પરિવારને ન્યાય મળે ત્યાં સુધી નિયમિત દેખરેખ રાખવાની રજૂઆત કરવામાં આવી છે.
પીડિત પરિવારને સરકારની પ્રવર્તમાન યોજનાઓ મુજબ યોગ્ય આર્થિક સહાય, જરૂરી સુરક્ષા, કાયદાકીય માર્ગદર્શન અને અન્ય શક્ય સરકારી સહાય પૂરી પાડવા તેમજ ભવિષ્યમાં આવી જઘન્ય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમાટે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી કાયદાનું કડક પાલન કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. સમસ્ત ખારવા સમાજે આ ઘટનાને વિશેષ પ્રાથમિકતા આપી તમામ માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવવા તંત્ર સમક્ષ લાગણીસભર રજૂઆત કરીછે.આવેદન પત્રના કાર્યક્રમા ગુજરાત ખારવા સમાજન પ્રમુખ કાન્તીભાઇ બાદરશાહી તેમજ પંચ-પટેલ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya