જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 6.34 કરોડના વિકાસકામોને મંજૂરી
પાણી પુરવઠા મશીનરીના સંચાલન માટે રૂ.2.78 કરોડ, રોડ-પેચવર્ક અને ભૂગર્ભ ગટરના કામો માટે કરોડોની ફાળવણી. જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે રૂ. 6.34 કરોડના વિવિધ કામોની
કોર્પોરેશન


- પાણી પુરવઠા મશીનરીના સંચાલન માટે રૂ.2.78 કરોડ, રોડ-પેચવર્ક અને ભૂગર્ભ ગટરના કામો માટે કરોડોની ફાળવણી.

જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે રૂ. 6.34 કરોડના વિવિધ કામોની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. આ બેઠકમાં પાણી પુરવઠાની મશીનરીની જાળવણી, વિવિધ વોર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક, ટ્રેન્ચ પેચવર્ક, ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અપગ્રેડેશન તેમજ આરોગ્ય કેન્દ્રો માટે તબીબી સાધનો ખરીદવાના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં કમિટીના તમામ સભ્યો, મેયર મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર અને આરોગ્યલક્ષી સુવિધાઓને લગતી વિવિધ દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ અંદાજે રૂ. 6.34 કરોડના ખર્ચનાં વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી.

પાણી પુરવઠા વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખીજડિયા પમ્પહાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, ઉંડ-1, સસોઈ અને આજી-3 ડેમ ખાતે ચોવીસ કલાક ઇલેક્ટ્રો-મિકેનિકલ મશીનરીના સંચાલન અને બે વર્ષની જાળવણી માટે રૂ. 2.78 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત 78-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં વર્ષ 2025-26ની સ્પેશ્યલ ગ્રાન્ટ અંતર્ગત સીસી રોડ અને પેવર બ્લોકનાં કામો માટે રૂ. 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શહેરના ઉત્તર ઝોનના વોર્ડ નંબર 2, 3 અને 4માં ઓએફસી, ગેસ, વીજળી અને પાણીની લાઇનો માટે ખોદાયેલા ટ્રેન્ચમાં સીસી પેચવર્ક કરવા રૂ. 68.61 લાખ તેમજ પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 1, 6 અને 7માં આ કામગીરી માટે રૂ. 48.75 લાખની દરખાસ્ત મંજૂર થઈ છે. તે જ રીતે વર્ષ 2026-27ની ગ્રાન્ટ હેઠળ ઉત્તર ઝોનના આ જ વોર્ડમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાના મજબૂતીકરણ માટે રૂ. 17.07 લાખ અને પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 1, 6 અને 7માં રૂ. 15 લાખ ફાળવવામાં આવ્યા છે.

ઉત્તર ઝોનના વોર્ડ નંબર 1થી 5માં ફરિયાદોના આધારે ભૂગર્ભ ગટરની સફાઈ તથા સફાઈ મશીનોના સંચાલન-જાળવણી માટે બે માસના વધારાના ખર્ચ પેટે રૂ. 3.74 લાખ મંજૂર કરાયા છે.

આ સાથે જ મહાનગરપાલિકા સંચાલિત ત્રણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે મલ્ટીપેરા મોનિટર ખરીદવા રૂ. 2.45 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. આમ એજન્ડાની અન્ય દરખાસ્તો સહિત કુલ રૂ. 6.34 કરોડના નાગરિક સુવિધાલક્ષી કામોને મંજૂરી મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande