
3650 દિવસે બનેલા પુલને ડી કે સ્વામીએ ઉતાવળે લોકાર્પણ કર્યું ને તૂટતા 100 દિવસ પણ ના લાગ્યા
મામલો ગંભીર બનતા ભરૂચ જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગ પાસે રિપોર્ટ મંગાવી તપાસના આદેશ આપ્યા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ
ભરૂચ 20 નવેમ્બર (હિ.સ.)
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાને જોડતા 66 કરોડના જંગી ખર્ચે નિર્મિત ડોલિયા-દેણવા બ્રિજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વર્ષ 2016માં મહેસાણાની રાધે એસોસિએટ એજન્સીને સોંપાયેલું આ કામ 10 વર્ષના લાંબા ગાળા બાદ પૂર્ણ થયું હતું, જેનું ગત 23 ઓગસ્ટ 2026ના રોજ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણના 100 દિવસના ટૂંકા ગાળામાં જ બ્રિજના માર્ગ પર મસમોટી તિરાડો પડી જતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પુલના ફિટનેસ સર્ટિફિકેટ વિના જ લોકાર્પણનો ખુલાસો
સમગ્ર મામલે ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા જરૂરી મંજૂરીઓ કે કામગીરીની ગુણવત્તાની ખાતરી કર્યા વિના જ અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી નાખવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસર શાલીન પંડ્યાએ પણ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ હજુ સુધી આપવામાં ન આવ્યું હોવાનું સ્વીકાર્યું છે. તેમણે બ્રિજની નીચેથી પસાર થતી ઢાઢર નદીના પાણીના વહેણ બદલાવાથી પોલાણ થતા તિરાડ પડી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, એજન્સીના માલિક અને સુપરવિઝન કરનાર જવાબદાર અધિકારી અંગે ખુદ આર એન્ડ બી વિભાગે મૌન સેવ્યું છે.
વાહનચાલકોમાં ભય અને રાજકીય ગરમાવો
વાહનચાલકોની અવરજવરની સુવિધાનું બહાનું આગળ ધરીને હાલ આ બ્રિજ માત્ર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા હળવા વાહનો માટે જ ખુલ્લો મુકાયો હતો. જો માત્ર નાના વાહનોના ભારણમાં જ બ્રિજ પર તિરાડો પડી જતી હોય, તો આગામી સમયમાં ભારે વાહનો પસાર થશે ત્યારે આ બ્રિજ 6 મહિના પણ ટકી શકશે કે કેમ તે મોટો સવાલ ઉભો થયો છે. આ મુદ્દે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ અધિકારીઓ તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે તેમ કહી હાથ ઊંચા કરી દીધા છે.
3650 દિવસ બાદ બનેલો 66 કરોડનો પુલ માત્ર 100 દિવસની અંદર જ તિરાડો પડતા તૂટી પડવાનો ભય
જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
આમોદ-જંબુસર વિસ્તારની જનતા માટે આશીર્વાદરૂપ મનાતો ડોલિયા-દેણવા બ્રિજ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે જોખમી બન્યો છે. એક દાયકા સુધી ચાલેલા બાંધકામ બાદ ફિટનેસ સર્ટિફિકેટ જેવી પ્રાથમિક અને અત્યંત જરૂરી પ્રક્રિયાને નેવે મૂકીને ઉતાવળે લોકાર્પણ કરી દેવાતા જનતાના કરવેરામાંથી 66 કરોડ પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસરને જોડતા 66 કરોડના ડોલિયા-દેણવા બ્રિજમાં મોટી તિરાડો પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે .23 ઓગસ્ટ 2026ના રોજ લોકાર્પણ કરાયેલા આ બ્રિજને હજુ સુધી ફિટનેસ સર્ટિફિકેટ જ મળ્યું ન હોવાનો ખુદ અધિકારીએ સ્વીકાર કર્યો છે.માત્ર હળવા વાહનોની અવરજવરમાં જ બ્રિજ બેસી જતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.ભરૂચ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવાની તૈયારી શરૂ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ