
રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : જસદણ તાલુકાના જંગવડ ગામમાં ગુરુવારે બપોરના સમયે મકાન અને મિલકતની અદાવતમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. કથામાં જવા માટે ઘર બહાર નીકળેલા પ્રકાશભાઈ બચુભાઈ ઘોડકીયા અને તેમના સગર્ભા પત્ની વિલાસબેન પર કૌટુંબિક ભાઈ અશોક ઉર્ફે સૂડાએ ધોકા વડે હુમલો કરી આડેધડ ઘા ફટકાર્યા હતા. આ ગંભીર હુમલામાં વિલાસબેનનું ઘટનાસ્થળે અને પ્રકાશભાઈનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બચાવવા વચ્ચે પડેલા અન્ય બે પરિવારજનોને પણ ઈજા પહોંચી હતી. આટકોટ પોલીસે ગુનો નોંધી આરોપીને ગામના નાકા પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંગવડ ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય પ્રકાશભાઈ બચુભાઈ ઘોડકીયા અને તેમના ૩૨ વર્ષીય પત્ની વિલાસબેન ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગામમાં ચાલી રહેલી કથા સાંભળવા જવા માટે ઘર બહાર નીકળ્યા હતા. આ દરમિયાન જૂના ચોરા પાસે રહેતો પ્રકાશભાઈના મોટા બાપુનો દીકરો અશોક ઉર્ફે સૂડો ગોવિંદભાઈ ઘોડકીયા હાથમાં લાકડાનો મોટો ધોકો લઈને ધસી આવ્યો હતો અને કોઈપણ જાતના સંકોચ વગર દંપતી પર તૂટી પડ્યો હતો. હુમલાખોરે બંનેના માથાના ભાગે આડેધડ ધોકાના ઘા ફટકારતા વિસ્તારમાં અફરાતફરી અને દેકારો મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દંપતી પર હુમલો થતા દેકારો સાંભળીને નજીકમાં કરિયાણાની દુકાન ધરાવતા પ્રકાશભાઈના ભત્રીજાના પત્ની પુરીબેન ભૂપતભાઈ ઘોડકીયા તેમજ પ્રકાશભાઈના ભાભી અને સગા બહેન મુક્તાબેન ઉર્ફે લાભુબેન જયંતીભાઈ ઘોડકીયા બચાવવા માટે દોડી આવ્યા હતા. આરોપી અશોકે બચાવવા પડેલા પુરીબેન અને મુક્તાબેન પર પણ ધોકા વડે હુમલો કરીને માથા સહિતના શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન પ્રકાશભાઈના મોટાભાઈ રમેશભાઈ સ્થળ પર આવી જતા આરોપી અશોક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રિક્ષા મારફતે આટકોટની કે.ડી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિલાસબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશભાઈ અને પુરીબેનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે સવારે સારવાર દરમિયાન પ્રકાશભાઈનું પણ મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ઈજાગ્રસ્ત મુક્તાબેન ઉર્ફે લાભુબેનની ફરિયાદના આધારે આરોપી અશોક ઉર્ફે સૂડો વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ, મુક્તાબેનને પાડોશમાં રહેતી ઈલાના ફોન મારફતે પોતાના દીકરા વ્રજ સાથે વાત થઈ હતી, જેમાં વ્રજે પ્રકાશકાકા સાથે દૂર આવેલા મંદિરે કથામાં જવાની વાત કરી હતી. મંદિર રોડ પર હોવાથી અને દૂર હોવાથી મુક્તાબેને દીકરાને ના પાડી હતી અને તેને લેવા માટે પ્રકાશભાઈના ઘર તરફ જવા નીકળ્યા હતા. ઘરનું બારણું ખખડાવતા વિલાસબેન બહાર આવ્યા હતા અને તે જ સમયે ધોકા સાથે હાજર અશોક મોટેમોટેથી ગાળો બોલતો હોવાથી મુક્તાબેન અને વિલાસબેને ગાળો બોલવાની ના પાડી હતી, જેના પગલે ઉશ્કેરાયેલા આરોપીએ આજે બધાને મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો.
ઘટનાના મૂળમાં મકાન અને મિલકત બાબતનું જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ મુક્તાબેન અને તેમનો પરિવાર કાકાજી સસરા લઘરાભાઈ મંગળાભાઈ ઘોડકીયાના મકાનમાં રહેતા હતા, ત્યારે કૌટુંબિક જેઠ અશોક ઉર્ફે સૂડો અવારનવાર માથાકૂટ કરીને ગાળો આપતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિવારે મકાન ખાલી કરી ભાડે રહેવા જવાનું પસંદ કર્યું હતું, જે બાબત આરોપીને પસંદ પડી નહોતી. વધુમાં, નિઃસંતાન કાકા લઘરાભાઈની પ્રકાશભાઈએ પિતાની જેમ સેવા કરી હોવાથી કાકાએ પોતાનું મકાન અને બેંકની બચતની રકમ પ્રકાશભાઈને આપી દીધી હતી, જેનું મનદુઃખ રાખીને આરોપીએ દારૂ અને ગાંજાના નશામાં ધૂત થઈને આ ખૂની ખેલ ખેલ્યો હોવાની વિગતો બહાર આવી છે.
આ ઘટનામાં અત્યંત કરુણ બાબત એ સામે આવી છે કે હત્યાનો ભોગ બનેલા વિલાસબેનના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેઓ હાલ સગર્ભા હતા. પરિવારમાં નવા મહેમાનના આગમનની ખુશી વચ્ચે ટૂંક સમયમાં સીમંતનો પ્રસંગ યોજવાનો હતો, પરંતુ બાળક જન્મ લે તે પહેલા જ સગર્ભા માતા અને પિતાની હત્યા થઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હીરા ઘસવાનું કામ કરીને ગુજરાન ચલાવતા પ્રકાશભાઈ અને તેમનો પરિવાર ગામમાં શાંત અને સરળ સ્વભાવનો પરિવાર ગણાતો હતો. દંપતીના મોત અને ગર્ભસ્થ શિશુના અકાળે અવસાનથી કોળી સમાજ સહિત સમગ્ર પંથકમાં ઘેરો શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની જાણ થતા જ આટકોટ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી અશોક ઉર્ફે સૂડો વધુ દૂર ભાગી શકે તે પહેલા જ ગામના નાકા પાસેથી તેને સકંજામાં લઈ લીધો હતો. નશાની હાલતમાં હોવાથી આરોપી દૂર જઈ શક્યો ન હતો અને પોલીસે તેની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ, રાજકોટ ખાતે બંને મૃતકોના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ દારૂ અને ગાંજાના વ્યસન તેમજ અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપીની વિધિવત ધરપકડ કરીને પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt