શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, તળાજામાં સલાહકાર સમિતિની બેઠક યોજવાની માંગ
ભાવનગર,20 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે અનેક વખત ઓવરફ્લો થયો હોવા છતાં સિંચાઈ વિભાગની બેદરકારી અને આયોજનના અભાવે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પોપટભ
રજૂઆત કરવામાં આવી


ભાવનગર,20 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે અનેક વખત ઓવરફ્લો થયો હોવા છતાં સિંચાઈ વિભાગની બેદરકારી અને આયોજનના અભાવે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પોપટભા વાળાએ મુખ્યમંત્રીને હકીકત પત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરી છે.

રજૂઆતમાં શેત્રુંજી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક આગામી પાંચ દિવસમાં યોજવા તેમજ દર વર્ષની જેમ પાલીતાણાને બદલે આ વર્ષે તળાજા સિંચાઈ વિભાગની કચેરી અથવા માર્કેટિંગ યાર્ડ ખાતે બેઠક યોજવાની માંગ કરાઈ છે. તળાજા, ઘોઘા અને મહુવા તાલુકાના ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી બેઠક તળાજામાં યોજવાથી ખેડૂતોને સરળતા રહેશે.

વધુમાં ખેડૂતોને સિંચાઈ વેરો ભર્યા બાદ જ પાણી આપવાની નીતિ બંધ કરવા અને ભાવનગર મહાનગરપાલિકા પાસેથી બાકી રહેલા આશરે 205 કરોડ રૂપિયાની પાણીની રકમ વસૂલવાની માંગ કરી છે. ખેડૂતોને 1 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી નિયમિત પાણી આપવા તેમજ આગળ અને છેવાડાના ખેડૂતોને સમાન પાણી મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

વર્ષ 1994માં જમીન સંપાદન કરીને બનાવેલી કેનાલમાં 32 વર્ષથી પાણી ન પહોંચ્યું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. લોગડીથી રોહીસા, તરેડી, ભાદોડ અને વડલી સુધી નવી કેનાલ બનાવવા, જમણા-ડાબા કાંઠાની કેનાલોની સફાઈ અને સમારકામ 15 દિવસમાં પૂર્ણ કરવા સહિતની માંગણીઓ કરી છે.

માંગણીઓનો અમલ નહીં થાય તો સલાહકાર સમિતિની બેઠકમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande