
અમરેલી,20 નવેમ્બર (હિ.સ.) અમરેલી-સાવરકુંડલા રોડ પર શેત્રુંજી નદીના પુલ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. અકસ્માતમાં બાઇક પર સવાર યુવક અને તેના બે માસૂમ બાળકો સહિત એસટી બસના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇકચાલકની પત્નીનું અમરેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોનાં મોત થયાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી-સાવરકુંડલા રૂટની એસટી બસ અને બાઇક વચ્ચે શેત્રુંજી નદીના પુલ પાસે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ગોગનભાઈ સોલંકી અને તેમનાં બે સંતાનો નીતિન ગોગન સોલંકી તથા ધૃતિ ગોગન સોલંકી સહિત એસટી બસના ચાલક મેહુલ વાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં હિરલગોગનભાઈ સોલંકીને તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ચાર સભ્યો અને એસટી બસના ચાલક સહિત કુલ પાંચ લોકોનાં મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ કરુણ દુર્ઘટનાની જાણ થતાં રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયા, અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અમરેલી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલમાં અકસ્માત અંગેની વિગતો મેળવી હતી અને સંબંધિત તંત્ર પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.
અકસ્મિક ઘટનાને પગલે પોલીસ અને એસટી નિગમના અધિકારીઓ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનાં મોતની આ ઘટનાએ સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી ફેલાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai