ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકોની સુવિધા માટે એસ.ટી. બસ સેવાનો વિધિવત પ્રારંભ
જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો અને યાત્રાળુઓને પરિવહનની સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ જિલ્લા પંચાયતના ગેસ્ટ
ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકોની સુવિધા માટે


જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો અને યાત્રાળુઓને પરિવહનની સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સુધી દોડનારી ૫૦ મિની બસ સેવાનો મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાવિકોને જૂનાગઢ લાવવા અને પરત પહોંચાડવા માટે ૪૦૦ જેટલી વધારાની બસો પણ દોડાવવામાં આવશે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમા સમગ્ર સનાતન સમાજ માટે આસ્થા, શ્રદ્ધા અને ઉત્સાહનું પર્વ છે. ભાવિકોની લાગણી અને યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ વહેલો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા ગુજરાતભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સુવ્યવસ્થિત પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ ડેપોમાંથી ૪૦૦ જેટલી વધારાની બસો ભાવિકોને જૂનાગઢ લાવશે, જ્યારે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી ૫૦ મિની બસો કાર્યરત કરવામાં આવી છે.

તેમણે વધુમાં ભાવિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, ગંદકી ન કરવી અને પાણીની અછતને ધ્યાનમાં રાખીને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. ગિરનાર જંગલ પશુ-પક્ષીઓ અને વન્યજીવોનું કુદરતી રહેઠાણ હોવાથી તેની જાળવણી અને પર્યાવરણની સુરક્ષા કરવાની જવાબદારી સૌની છે. શ્રદ્ધાની સાથે પ્રકૃતિનું જતન કરીને સૌ ભાવિકો હેમખેમ પરિક્રમા પૂર્ણ કરે તેવી શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી.

એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬ની લીલી પરિક્રમાને અનુલક્ષીને વિભાગ દ્વારા પૂરતી બસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવતા યાત્રાળુઓ માટે ૪૦૦ જેટલી વધારાની બસો ફાળવવામાં આવી છે. જ્યારે સ્થાનિક ભાવિકો અને અન્ય સ્થળેથી જૂનાગઢ આવતા યાત્રાળુઓને બસ સ્ટેશનથી ભવનાથ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે ૫૦ મિની બસો શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા અને જરૂરિયાત મુજબ વધુ બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભવનાથ સુધીની મિની બસ સેવામાં મુસાફરો માટે અડધી ટિકિટનો દર રૂ. ૧૫ અને આખી ટિકિટનો દર રૂ. ૩૦ નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોને સુવિધા મળી રહે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળે તે માટે બસના કંડક્ટરોને ક્યૂઆર કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ મશીન આપવામાં આવ્યાં છે, જેના માધ્યમથી મુસાફરો સરળતાથી ઓનલાઇન ચુકવણી કરી શકશે. આ ઉપરાંત પ્લાસ્ટિકમુક્ત પરિક્રમાના અભિયાનને વેગ આપવા માટે મુસાફરોને ઇકો-ફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કરવામાં આવશે.

એસ.ટી. વિભાગ દ્વારા ભાવિકોને પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તથા પાણીનો બગાડ ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સ્થાનિક આગેવાનો, એસ.ટી. વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande