


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી બી.આર.સી. ભવન ખાતે વિદ્યાસહાયક ભરતી-2026 અંતર્ગત શાળા પસંદગી કેમ્પના આયોજનને લઈને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. ધોરણ 1થી 5ના ઉમેદવારો માટે શાળા પસંદગી કેમ્પ આગામી 27 નવેમ્બર, 2026ના રોજ સરસ્વતી બી.આર.સી. ભવન ખાતે યોજાનાર છે. આ કેમ્પ સુચારુ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે બેઠકમાં જરૂરી આયોજન અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાયબ DPEO, તમામ TPEO, મદદનીશ કેળવણી નિરીક્ષકો, સંબંધિત કર્મચારીઓ તેમજ કામગીરીમાં જોડાયેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ DPEOનું શાબ્દિક સ્વાગત કરવાની સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયમર્યાદામાં અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને શાળા પસંદગીમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સમગ્ર કેમ્પ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરી આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકનું આયોજન બી.આર.સી. કો-ઓર્ડિનેટર રતાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ભાટસણ પી.એમ.શ્રી શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળીએ બેઠકનું સંચાલન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ