

- 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે.
ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) : કર્ણાટક વિધાનસભાની હાઉસ અને અરજી સમિતિના કુલ 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ તા. 18 થી 23 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાતના છ દિવસીય અભ્યાસ પ્રવાસે પધાર્યું છે. જે અંતર્ગત આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલી, વહીવટી માળખું અને આધુનિક ટેકનોલોજી થકી અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરી પરસ્પર અનુભવોનું આદાન-પ્રદાન કરવાનો છે.
ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન કર્ણાટક વિધાનસભા ઉપાધ્યક્ષ મંકલ વૈદ્ય સહિત સભ્યોના પ્રતિનિધિ મંડળને ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધિકારીઓએ તેમને મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઈપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો માટેની પ્રેક્ષક ગેલેરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ગુજરાત વિધાનસભાની 'પેપરલેસ' કામગીરી અને ડિજિટલ પહેલ રહી હતી. ટેકનોલોજીના માધ્યમથી વિધાનસભાની તમામ પ્રક્રિયાઓને કઈ રીતે ડિજિટાઈઝ કરવામાં આવી છે અને તેનાથી કામગીરીમાં કેવી રીતે પારદર્શિતા અને ઝડપ આવી છે, તે અંગે અધિકારીઓએ કર્ણાટકના સભ્યોને પ્રત્યક્ષ નિર્દેશન આપ્યું હતું. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતના આ મોડેલને પ્રતિનિધિ મંડળે ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું હતું. આ મુલાકાત બંને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધોને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે કર્ણાટક વિધાનસભાની હાઉસ અને અરજી સમિતિના અધ્યક્ષ, સભ્યો તેમજ કર્ણાટક વિધાનસભાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે ગુજરાત વિધાનસભા તરફથી સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપ સચિવ ચિરાગ પટેલ, સેકશન ઓફિસર ધ્રુવ પટેલ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ