


- ખારોઈથી સૂરજબારી અને રાપરના મેવાસા સુધી એકસાથે હાથ ધરાઈ તપાસ.- ગેરકાયદેસર રેતી-ખનીજ વહન કરતા વાહનો સીઝ કરી માલિકો સામે કાયદેસરની કાર્યવાહી.
કચ્છ, 20 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજની હેરાફેરી અટકાવવા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી અને ખનીજનું વહન કરતા વાહનો સામે તંત્રએ સપાટો બોલાવ્યો છે. મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ તથા ખાણ-ખનીજ વિભાગ, અંજારની સંયુક્ત ટીમે હાથ ધરેલી આકસ્મિક તપાસમાં એકસાથે 12 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. સીઝ કરવામાં આવેલા આ વાહનોની અંદાજિત કિંમત રૂ. 4 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, કચ્છ-ભુજની સૂચનાના અનુસંધાને તા. 20 નવેમ્બર, 2026ના રોજ આ વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી, ભચાઉના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમે ભચાઉ તાલુકાના ખારોઈ, લોધેશ્વર, ભચાઉ અને સૂરજબારી સહિતના વિસ્તારોમાં અચાનક તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત રાપર તાલુકાના મેવાસા વિસ્તારમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન ખનીજ વહન કરતા વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખનીજના નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે રેતી અને અન્ય ખનીજનું પરિવહન કરતા કુલ 12 ડમ્પર મળી આવતાં ટીમે તમામ વાહનોને કબજે કરી સીઝ કરવાની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ જપ્ત કરાયેલા વાહનોની બજારકિંમત આશરે રૂ. 4 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખનીજ સંપત્તિના ગેરકાયદેસર ઉત્ખનન અને પરિવહનને રોકવા માટે વહીવટી તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી દિવસોમાં પણ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તપાસ અને કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar