કચ્છમાં પાણીની સંભવિત કટોકટી સામે તંત્રનું આગોતરું આયોજન: 113 નવા બોર બનાવાશે, 64નું કામ પૂર્ણ
અબડાસા અને લખપત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા ટપ્પર ડેમમાંથી વધારાનો જથ્થો પંપ કરાશે; કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા અધિકારીઓને આપી સૂચના કચ્છ, 20 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જેવા અર્ધશુષ્ક અને પાણીની અછત ધરાવતા જિલ્લામાં પીવાના પાણ
જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ


જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ


જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ


અબડાસા અને લખપત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા ટપ્પર ડેમમાંથી વધારાનો જથ્થો પંપ કરાશે; કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા અધિકારીઓને આપી સૂચના

કચ્છ, 20 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જેવા અર્ધશુષ્ક અને પાણીની અછત ધરાવતા જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રએ અત્યારથી જ કવાયત તેજ કરી છે. ચોમાસામાં વિલંબ અને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા જળસ્ત્રોત વિકસાવવા, નર્મદાના પાણીનો જથ્થો વધારવા તેમજ હાલની પાણી પુરવઠા યોજનાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આયોજન હાથ ધરાયું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયની જરૂરિયાતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં કચ્છની ગ્રામીણ અને શહેરી વસ્તીને મળતા પાણીની સામે વપરાશની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નર્મદા આધારિત પુરવઠો, ટપ્પર ડેમ, વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ અને સ્થાનિક જળસ્ત્રોતોની સ્થિતિની સમીક્ષા કરીને પાણીનું વિતરણ નિયમિત રહે તે માટે માઈક્રો પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પાણીની સંભવિત અછત ધરાવતા વિસ્તારોને ધ્યાનમાં રાખીને હાઇડ્રોલોજિસ્ટ દ્વારા ભૂગર્ભ જળસ્ત્રોતોનું સર્વેક્ષણ કરાવવામાં આવ્યું છે. તેના આધારે સમગ્ર જિલ્લામાં કુલ 113 નવા બોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૈકી 64 બોરનું શારકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પગલાથી જરૂરિયાતના સમયે સ્થાનિક સ્તરે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ થઈ શકશે.

બીજી તરફ અબડાસા અને લખપત તાલુકાના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ટપ્પર ડેમમાંથી વધારાનો પાણીનો જથ્થો પંપ કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. ગોધાતડ, ગજણસર, મીઠી, જંગડિયા, કંકાવટી, બેરાચિયા અને રુદ્રમાતા સહિતના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના સ્તરની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

માંડવી તાલુકામાં કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત યોજનાની કામગીરીની પ્રગતિ તપાસવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બિદડા અને લાયજા હેડવર્ક્સ સુધી પાણી લિફ્ટ કરીને આસપાસનાં ગામોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આગામી દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ જળવાઈ રહે અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પાણી પુરવઠા અંગેની ફરિયાદ કે સમસ્યા માટે ટોલ ફ્રી નંબર 1916 પર સંપર્ક કરી શકાશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિત પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande