



- મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા ધોરડો ટેન્ટ સિટી અને ધોળાવીરાના રિસોર્ટમાં તપાસ, એન્ટી-લાર્વા કામગીરી સાથે જંતુનાશક દવાનો છંટકાવ અને પાણીનું ક્લોરિનેશન કરાયું.
કચ્છ, 20 નવેમ્બર (હિ.સ.) : કચ્છના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા માટે આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને રણોત્સવના આકર્ષણ સમાન ધોરડો ટેન્ટ સિટી અને ઐતિહાસિક ધરોહર ધરાવતા ધોળાવીરામાં મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની ટીમે વિશેષ તપાસ અને સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરી હતી.
કચ્છમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી પ્રવાસન સ્થળો પર આરોગ્ય અને સ્વચ્છતાની વ્યવસ્થા જાળવવી તંત્ર માટે મહત્ત્વપૂર્ણ બની છે. પ્રવાસીઓના રોકાણ દરમિયાન કોઈ રોગચાળાની સ્થિતિ ઊભી ન થાય અને સ્થાનિક લોકો પણ સુરક્ષિત રહે તેવા હેતુથી જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા આ અભિયાન હાથ ધરાયું હતું. કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમે બંને પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન ટેન્ટ સિટી, રિસોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની જગ્યાઓ, પાણીના સંગ્રહનાં સાધનો તથા મચ્છરોના સંવર્ધન માટે અનુકૂળ સ્થળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સંભવિત સ્થળોએ એન્ટી-લાર્વા કામગીરી કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરીને મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા.
બીજી તરફ, દૂષિત પાણીના કારણે ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરાયું હતું. પાણીની ટાંકીઓ અને સંગ્રહસ્થળોની ચકાસણી કરીને જરૂરી પ્રમાણમાં ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું, જેથી પ્રવાસીઓને પીવા માટે સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ થઈ શકે.
આરોગ્ય વિભાગે ટેન્ટ સિટી અને રિસોર્ટના સંચાલકોને પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ, કચરાનો યોગ્ય નિકાલ, પરિસરની સ્વચ્છતા અને પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ સૂચનાઓ આપી હતી. સાથે જ કર્મચારીઓને પણ આરોગ્યલક્ષી તકેદારી રાખવા માર્ગદર્શન અપાયું હતું.
રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની સુવિધા સાથે તેમના આરોગ્યની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રવાસન સ્થળોને સ્વચ્છ અને રોગમુક્ત રાખવા તંત્રની આ સાવચેતીભરી કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar