રાજકોટના સોની બજારના બે વેપારીઓનું રૂ.31 લાખનું સોનુ લઈ ફરાર થયેલા શખસની ધરપકડ
રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની સોની બજારમાં વેપારીઓ સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી કિરીટ મહેન્દ્રભાઈ રાધનપુરાને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી ચોક્કસ બા
છેતરપિંડીનો આરોપી ઝડપાયો


રાજકોટ, 20 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની સોની બજારમાં વેપારીઓ સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી કિરીટ મહેન્દ્રભાઈ રાધનપુરાને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી ચોક્કસ બાતમીના પગલે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની તપાસ માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોની વિગત મુજબ, આરોપી કિરીટ તેના ભાગીદારો મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સાથે મળીને સોની બજારની જૂની ગઢીવાડમાં રીયા ગોલ્ડ નામની દુકાન ચલાવતો હતો. આરોપીઓએ સોનાના દાગીના બનાવતા કારીગરો અલ્ફાજુદ્દીન અને સુરજઅલીને વિશ્વાસમાં લઈને ઓર્ડર આપી તૈયાર દાગીના મેળવ્યા હતા. તેની સામે હિસાબ પેટે રૂ. ૩૦.૮૦ લાખની કિંમતનું ૧૮૫.૬૭૦ ગ્રામ ફાઈન સોનું નહીં આપીને વેપારીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ બનાવ અંગે રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૮(૪) અને ૩(૫) હેઠળ ગુનો નોંધાયો હતો. અગાઉ આ કેસમાં સંડોવાયેલા આરોપી મિલન અને ચિંતનની એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપીઓમાં સામેલ કિરીટ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને વિવિધ સ્થળોએ છૂટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની વિગતો સામે આવી છે.

પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઈ પી.એન. પઢિયારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. ઘાસુરા સહિતની ટીમે આરોપીને રાજકોટ-જામનગર હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક ટોયોટા કારના શોરૂમ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી કિરીટ રાધનપુરા (ઉ.વ. ૪૯) મૂળ વિભાપર ગામનો રહેવાસી છે અને હાલ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મધુરમ શેરી નં. ૩ ખાતે દિનેશ ચૌહાણના મકાનમાં ભાડેથી રહેતો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande