સુરત શહેર-જિલ્લામાં તા. 22થી 24 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાજ્યના આરોગ્ય વિભાગના ઉપક્રમે આગામી તા. 22 નવેમ્બર- રવિવારના રોજ સમગ્ર સુરત શહેર-જિલ્લામાં જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે. જે
National Pulse Polio Immunization Campaign


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાજ્યના આરોગ્ય વિભાગના ઉપક્રમે આગામી તા. 22 નવેમ્બર- રવિવારના રોજ સમગ્ર સુરત શહેર-જિલ્લામાં જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે. જેમાં શહેરના 6,84,593 અને ગ્રામ્ય વિસ્તારોમાં 1,96,225 બાળકો મળી કુલ 8,80,788 બાળકોને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.

ભારત વર્ષોથી પોલિયો મુક્ત દેશ તરીકેની ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પાડોશી દેશોમાંથી પોલિયોના વાયરસનું સંક્રમણ ફરી ન ફેલાય તેમજ દરેક બાળકને આ જીવલેણ અને અપંગતા સર્જતી બીમારી સામે કાયમી સુરક્ષા મળી રહે તે હેતુથી આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષની વયજૂથના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે. બાળકને અગાઉ નિયમિત રસીકરણ કાર્યક્રમ હેઠળ પોલિયોની રસી આપવામાં આવી હોય, તો પણ આ અભિયાન દરમિયાન બે ટીપાં પીવડાવવાં અત્યંત જરૂરી છે.

સુરત આ ત્રિદિવસીય અભિયાનને સફળ બનાવવા તમામ તાલુકાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં માઇક્રો પ્લાનિંગ સાથે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ દિવસે એટલે કે તા.22 નવેમ્બર (રવિવાર)ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3372 પોલિયો બુથ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો, ઝૂંપડપટ્ટી, ઈંટોના ભઠ્ઠા અને બાંધકામ સાઇટ્સ જેવા વિસ્તારોમાં રહેતા શ્રમિકોના બાળકો માટે મોબાઇલ ટીમો પણ તૈનાત રહેશે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), આંગણવાડી કેન્દ્રો, શાળાઓ તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હાટ બજાર, મંદિરો અને હાઇવે પરનાં ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ તા.22 ના રોજ પ્રથમ દિવસે બુથ પર રસી પીવાથી વંચિત રહી ગયેલાં બાળકોને 23 અને 24 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડી કાર્યકરોની શહેરમાં 3851 અને જિલ્લામાં 3372 ટીમો એમ કુલ 7223 ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈને ઓ થી ૫ વર્ષના બાળકોને રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.

સુરત શહેર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ વાલીઓ, સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ માતા-પિતાને પોતાના 0 થી 5 વર્ષનાં બાળકોને તા. 22 નવેમ્બરના રોજ નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande