

- ખેતરમાં પકવેલા શુદ્ધ અને પ્રાકૃતિક શાકભાજીનો ઉપયોગ ઘરના ખોરાક તરીકે કરે છે, વધારાના શાકભાજી બજારમાં વેચીને સારી આવક મેળવી 'આત્મનિર્ભર' બન્યા.- પ્રાકૃતિક ખેતીના માધ્યમથી તેમણે સમગ્ર વિસ્તારના ખેડૂતોના વિચારોને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું.
રાજપીપલા, 20 નવેમ્બર (હિ.સ.) આજના રાસાયણિક ખેતીના યુગમાં જ્યારે શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે તિલકવાડા તાલુકાના નલિયા ચુડેશ્વર ગ્રામ પંચાયતના ભાવપુરા ટેકરા ગામમાં રહેતા ખેડૂત અશોક તડવીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના જય માતાજી મોડેલ ફાર્મ દ્વારા તેઓ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ સમાજને સ્વાસ્થ્ય વર્ધક ખોરાકની ભેટ પણ આપી રહ્યા છે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શનથી વર્ષ 2013થી ખેતી ક્ષેત્રે સતત નવીનતા અપનાવી રહેલા અશોક ચીમનભાઈ તડવી આજે પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે. તેમની સફર માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે.
અશોકભાઈએ આ સિઝનમાં તેમના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી અનેક પ્રકારના શાકભાજી અને પાકોનું વાવેતર કર્યું છે, જેમાં મુખ્યત્વે ટામેટા, કાકડી, દૂધી, કોબીજ, ફલાવર અને રીંગણ જેવા શાકભાજી, મૂળા અને તાંડલજાની ભાજી તથા તુવેર અને વાલ પાપડી જેવા કઠોળ પાકોનો સમાવેશ થાય છે.
હાલમાં આ તમામ પાકો તૈયાર થઈ ગયા છે અને તેનો ભરપૂર ઉતારો થવાની તૈયારીમાં છે. રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વગર ઉગાડેલા આ શાકભાજી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં શ્રેષ્ઠ છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ જીવન જીવવાની એક તંદુરસ્ત રીત છે. જે આપણે ખાઈએ છીએ તે જ આપણું ભાગ્ય નક્કી કરે છે. તેમ અશોકભાઈ જણાવે છે.
અશોકભાઈએ જણાવ્યું કે, જય માતાજી મોડેલ ફાર્મમાં મેં એકપણ દાણો યુરિયા કે જંતુનાશક દવા વાપર્યા વિના સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી કપાસ, શાકભાજી અને જામફળ, લીંબુ, ચેરી, કમરખ, આંબા, બોર, કોઠા, ખાટુંબડા, એવોકાડો જેવા ફળપાકો ઉછેર્યા છે. ઝીરો ખર્ચની આ ખેતીથી જમીન અત્યંત ફળદ્રુપ બની છે અને કપાસના છોડ 8 થી 10 ફૂટ ઊંચા થઈ મબલખ ઉત્પાદન આપી રહ્યા છે.
અશોકભાઈના પરિવાર માટે આ ખેતી આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેઓ ખેતરમાં પકવેલા શુદ્ધ અને પ્રાકૃતિક શાકભાજીનો ઉપયોગ પોતાના ઘરના ખોરાકમાં કરે છે, જેનાથી પરિવારનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેઓએ ભાવપુરા ટેકરા સ્ટેશન ખાતે હાઈવેને અડીને નેચરલ વેચાણકેન્દ્ર પણ શરૂ કર્યું છે. સાથે વધારાના શાકભાજી બજારમાં વેચીને પણ તેઓ સારી આવક મેળવી રહ્યા છે, જે તેમને સાચા અર્થમાં 'આત્મનિર્ભર' બનાવી રહ્યા છે.
માત્ર પોતાના ખેતર પૂરતું મર્યાદિત ન રહેતા, અશોકભાઈ 'આત્મા પ્રોજેક્ટ' સાથે જોડાયેલા છે. તેઓ આસપાસના ગામોમાં સીઆરપી તરીકે સેવા આપી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રહ્યા છે. તેઓ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને રાસાયણિક મુક્ત ખેતી દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના અનેક ખેડૂતો માટે તેમની આ સફર આશાનું નવું કિરણ બની રહી છે.
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી તેમણે માત્ર પોતાના ખેતરને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતોના વિચારોને પણ નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમની પાસેથી પ્રેરણા લઈને અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી આર્થિક સમૃદ્ધિ સાથે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ