
ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં લોકસાહિત્યના અમર સર્જક અને ચારણી સાહિત્યના અણમોલ રત્ન કવિ દુલા ભાયા કાગ ‘કાગબાપુ’ની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરા ‘કાગ વંદના’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૫ નવેમ્બર, બુધવારના રોજ રાત્રે ૮ વાગ્યે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસ સ્થિત અટલ ઓડિટોરિયમ ખાતે લોકસાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાશે.
કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી તથા શામળદાસ કોલેજના સથવારે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય બાદ કાગબાપુના પ્રપૌત્ર ઈશ કાગ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. કાગ પરિવાર દ્વારા અતિથિઓનું સન્માન કરાશે. કવિ વિનોદ જોષી બીજવક્તવ્ય આપશે અને ભગવતદાન ગઢવી કાર્યક્રમનું સંચાલન કરશે.
લોકડાયરામાં જાણીતા લોકકલાકારો રાજભા ગઢવી, જીજ્ઞેશ કુંચાલા, પરેશદાન ગઢવી અને ધરમભાઈ વંકાણી સહિતના કલાકારો પોતાની કલાની રજૂઆત કરી કાગવાણીના સૂરો રેલાવશે.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ભરત બી. રામાનુજ, ડો. ઈન્દ્ર ગઢવી અને શામળદાસ કોલેજના આચાર્ય ડો. વિશ્વાસ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કાગબાપુની લોકભોગ્ય રચનાઓ, જીવનદર્શન અને સાહિત્યિક વારસો નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનારા આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટ વતી રાજવીરભાઈ કાગે સાહિત્યપ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA