
ભાવનગર, 20 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે. આગામી તા. ૪ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ સર્વેમાં ૬થી ૧૯ વર્ષનાં બાળકોની ઓળખ કરી તેમને શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે.
આ સર્વે દરમિયાન એવા બાળકોની માહિતી એકત્રિત કરવામાં આવશે, જેમણે અત્યાર સુધી શાળામાં પ્રવેશ મેળવ્યો નથી અથવા કોઈ કારણસર અધવચ્ચે અભ્યાસ છોડી દીધો છે. આ ઉપરાંત ૬થી ૧૯ વર્ષનાં દિવ્યાંગ બાળકોનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવશે, જેથી તેઓને પણ શિક્ષણની મુખ્યધારા સાથે જોડી શકાય.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા શાળા બહારનાં બાળકો સુધી પહોંચવા માટે વિશેષ કામગીરી કરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન, ઝૂંપડપટ્ટી, સ્લમ વિસ્તાર, પછાત વિસ્તારો, જંગલ વિસ્તાર, બેટ વિસ્તાર, છૂટાછવાયા પહાડી વિસ્તારો, ધાર્મિક સ્થળો તેમજ સિનેમા ઘરોની આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકોની માહિતી મેળવવામાં આવશે.
આ કામગીરીમાં નાગરિકોનો સહયોગ પણ મહત્વનો હોવાથી આવા કોઈ બાળકની જાણકારી મળે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી., બી.આર.સી. ભવન અથવા સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી, ભાવનગર ખાતે માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શિક્ષણથી એકપણ બાળક વંચિત ન રહે અને દરેક બાળકને અભ્યાસની તક મળે તે હેતુથી આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો હોવાનું સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA