લીલી પરિક્રમા માટે જામનગર એસટી ડિવિઝન દ્વારા જૂનાગઢની વધારાની બસો દોડાવાશે
આજથી ૨૪ નવેમ્બર દરમિયાન બસ સેવા કાર્યરત રહેશે; ૫૧ મુસાફરોના ગ્રુપ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉપલબ્ધ જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમામાં જતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રિકોની સુવિધા માટે જામનગર એસટી ડિવિઝન
જામનગર એસટી


આજથી ૨૪ નવેમ્બર દરમિયાન બસ સેવા કાર્યરત રહેશે; ૫૧ મુસાફરોના ગ્રુપ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉપલબ્ધ

જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમામાં જતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રિકોની સુવિધા માટે જામનગર એસટી ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન મુસાફરોના ધસારા મુજબ બસો દોડશે. આ ઉપરાંત, જો ૫૧ મુસાફરોનું ગ્રુપ હશે તો તેમના માટે ખાસ અલાયદી બસ ફાળવવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

દિવાળી, હોળી અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે વધારાની બસોનું સંચાલન કરતા જામનગર એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે પણ જૂનાગઢની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર ફરતે યોજાતી આ પરિક્રમામાં સહભાગી થવા માટે જામનગર શહેર, જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે તે હેતુથી જામનગરથી જૂનાગઢ સુધી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

આ વિશેષ બસ સંચાલન ૨૦ નવેમ્બરથી શરૂ થઈને ૨૪ નવેમ્બર સુધી સતત કાર્યરત રહેશે. મુસાફરોની સુરક્ષા અને બસોના યોગ્ય સંચાલન માટે દરેક બસમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનું નિરીક્ષણ કરવા માટે ચોવીસ કલાક કાર્યરત રહેતો કંટ્રોલ રૂમ પણ ઊભો કરાયો છે. જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાઓના તાલુકા મથકોના સબ ડિવિઝન પરથી સીધી ભવનાથ તળેટી સુધી આ વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી યાત્રિકો સરળતાથી પરિક્રમાના સ્થળે પહોંચી શકે.

વધુમાં, જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ ડેપો તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા ડેપો ખાતેથી મુસાફરોની ભીડ અને જરૂરિયાત મુજબ વધારાની બસો ઉપાડવામાં આવશે. એસટી તંત્ર દ્વારા એક ખાસ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે, જે મુજબ જો કોઈ વિસ્તારમાંથી એકસાથે ૫૧ મુસાફરોનું ગ્રુપ તૈયાર થશે, તો તેમના માટે સીધી સ્પેશિયલ બસ ફાળવી આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande