
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના વાસાવીરા સોસાયટી વિસ્તારમાં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટમાં અજાણ્યા તસ્કરોએ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીના મકાનને નિશાન બનાવી રૂ. ૨૨,૦૪,૪૦૦ની મત્તાની ચોરી કરી છે. મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ કબાટ અને ખાનાંના લોક તોડી સોનાના દાગીના, રોકડ રકમ અને મંગળસૂત્ર ચોરી કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની ચકાસણી સહિતની તપાસ શરૂ કરી છે.
જામનગર શહેરમાં વાસાવીરા સોસાયટી, શેરી નંબર-૩માં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટ-૨ના રૂમ નંબર-૨૦૧માં રહેતા અને મૂળ વિંજલપર ગામના વતની, પ્રાઇવેટ સર્વેયર તથા કન્સ્ટ્રક્શનના ધંધાર્થી વિશાલ મસરીભાઈ છુછર (25) દ્વારા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી ઘરના મુખ્ય દરવાજા અને કબાટના લોક તૂટેલી સ્થિતિમાં તપાસ્યા હતા તથા આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી જરૂરી વિગતો એકત્રિત કરી હતી.
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો મુજબ તા. ૧૯ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યાથી સાંજે ૭:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો. દિવસના સમયે મકાન બંધ હોવાનો લાભ લઈ અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા અને રહેણાક રૂમમાં રાખેલા કબાટ તથા તેના ખાનાંના લોક તોડ્યા હતા. તસ્કરો કબાટમાંથી આશરે ૨૨ તોલા ઉપરાંત ૮૫ ગ્રામ સોનાના દાગીના, જેની અંદાજિત કિંમત રૂ. ૨૧,૭૬,૯૦૦ થાય છે, ઉપરાંત રૂ. ૨૫,૦૦૦ રોકડ રકમ અને રૂ. ૨,૫૦૦ની કિંમતનું એક નકલી મંગળસૂત્ર મળી કુલ રૂ. ૨૨,૦૪,૪૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ સીટી-સી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧(૩) હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીટી-સી પીઆઇ એચ.વી. રાઠોડ અને પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. શહેરના રહેણાંક વિસ્તારમાં બનેલી આ મોટી ચોરીના બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt