
રાજકોટ રેન્જ ટીમનો જાંબુડા સીમમાં દરોડો: ડીઝલ ભરેલું ટેન્કર અને બે બાઈક સહિત કુલ રૂ.૪૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના પંચકોષી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાંબુડા ગામની સીમમાં રાજકોટ રેન્જ પોલીસની ટીમે દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરનું સીલ તોડી ડીઝલની ચોરી કરતા ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી ટેન્કર, ડીઝલનો જથ્થો અને બે મોટરસાયકલ સહિત કુલ રૂ. ૪૧,૫૦,૫૦૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાંથી પસાર થતા હાઈવે પરની હોટલોના કમ્પાઉન્ડ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ અને એ.વાય. ઉધાસ સહિતની ટીમ દ્વારા હ્યુમન સોર્સથી બાતમી મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પી.એસ.આઈ. એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, પરેશભાઈ સાંજવા અને ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે જામનગર તાલુકાના જાંબુડા ગામની સીમમાં શ્રીનાથજી પાર્ક રિધ્ધિ સિધ્ધિ ઈન્ડસ્ટ્રીઝ લોટન ૯૦ પાસેના જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. અહીં નયારા કંપનીમાંથી યશ રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે ભરવામાં આવેલો ડીઝલનો જથ્થો નિર્ધારિત સ્થળે પહોંચાડવાને બદલે આરોપીઓ પોતાના અંગત ફાયદા માટે ચોરી કરી રહ્યા હતા.
આરોપીઓએ ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરનું સીલ તોડી તેમાંથી ડીઝલ કાઢી લીધું હતું અને ત્યારબાદ કોઈને શંકા ન જાય તે રીતે સીલ ફરીથી લગાવી દીધું હતું. પોલીસે સ્થળ પરથી નવા મોખાણા ગામના ગોપાલ ભુરાભાઈ સરસીયા અને ભરત ભુરાભાઈ સરસીયા તેમજ મૂળ બહારના અને હાલ જાંબુડા ગામે રવીભાઈના કારખાનામાં રહેતા અરુણ લાલમણી યાદવને ઝડપી લીધા હતા. પોલીસે ડીઝલ ભરેલું ટેન્કર રજી. નં.જીજે-18-બીવી-2287, બે મોટરસાયકલ જીજે-10-બીપી-7262 અને જીજે-10-ઈકે-6504 તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૪૧,૫૦,૫૦૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી તેમની વિરુદ્ધ પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt