જામનગર જિલ્લાના મેઘપરમાંથી રૂ. ૮.૮૧ લાખના હેરોઈન સાથે પંજાબના બે શખ્સ ઝડપાયા
સ્થાનિક પોલીસના દરોડામાં ૪૦.૦૬ ગ્રામ માદક પદાર્થ સહિત કુલ રૂ. ૮.૯૧ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાયર વોન્ટેડ જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસની ઝુંબેશ અંતર્ગત મેઘપર-પડાણા પોલીસે દરોડો પાડી રૂ. ૮
હેરોઇનના જથ્થા સાથે બે શખસો ઝડપાયા


સ્થાનિક પોલીસના દરોડામાં ૪૦.૦૬ ગ્રામ માદક પદાર્થ સહિત કુલ રૂ. ૮.૯૧ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાયર વોન્ટેડ

જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસની ઝુંબેશ અંતર્ગત મેઘપર-પડાણા પોલીસે દરોડો પાડી રૂ. ૮.૮૧ લાખની કિંમતનો ૪૦.૦૬ ગ્રામ હેરોઈન સહિતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. ભાડાના રૂમમાંથી પંજાબના તરનતારણ જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરાઈ છે, જ્યારે જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા, રોહિત થાનકી અને કોન્સ્ટેબલ ગૌતમ ચાવડાને મેઘપર ગામમાં કેનેરા બેન્ક પાછળ હરેન્દ્રસિંહ હેમંતસિંહ કંચવાના રૂમ નંબર ૧૦૧માં ભાડે રહેતા બે શખ્સો પાસે માદક પદાર્થ હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડી તલાશી લેતાં રૂમમાંથી ૪૦.૦૬ ગ્રામ ઓપીએટ પ્રકારનો માદક પદાર્થ (હેરોઈન, મોર્ફીન, કોડીન) મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૮,૮૧,૨૦૦ની કિંમતના ડ્રગ્સ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. ૮,૯૧,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરોડામાં પોલીસે મૂળ પંજાબના તરનતારણ જિલ્લાના બાકીપુર ગામના વતની અને હાલ મેઘપરમાં ભાડે રહેતા મનજીતસિંઘ નરંજનસિંઘ (ઉં.વ. ૩૫) તેમજ ચમકુરસિંઘ કુલદીપસિંઘ (ઉં.વ. ૨૭)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થનો જથ્થો પંજાબના તરનતારણ ખાતે રહેતા બઘેલસિંઘે સપ્લાય કર્યો હોવાનું બહાર આવતાં તેને ફરાર જાહેર કરાયો છે. બનાવ અંગે એ.એસ.આઈ. જે.ડી. ઝાલાની ફરિયાદના આધારે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ડ્રગ્સ સાથે શખ્સો પકડાયા હતા અને અગાઉ પણ મેઘપરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબના શખ્સોની સંડોવણી ખુલી હતી. હાલ પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની આગળની તપાસ પોલીસે તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande