
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન પોરબંદરવાસીઓમાં વાહનોની ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘબારસથી લાભપાંચમ સુધીના તહેવારોના દિવસોમાં પોરબંદર જિલ્લામાં કુલ 545 જેટલાં નવાં વાહનોની ખરીદી કરવામાં આવી હતી.અંદાજે રૂ.8 કરોડથી વધુની કિંમતનાં વાહનોની ખરીદી થતાં વાહન બજારમાંરોનક જોવા મળી હતી.
આ વાહનોની ખરીદીથી આરટીઓ વિભાગનેરૂ.99,99,324ની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.દિવાળીના શુભ દિવસોમાં વાહન ખરીદવાની પરંપરા આજે પણ લોકોમાં યથાવત્ છે. ખાસ કરીને વાઘબારસથી લાભપાંચમ સુધીના દિવસોને વાહન ખરીદી માટે શુભ માનવામાં આવે છે.આ સમયગાળા દરમિયાન થયેલી કુલ 545 વાહનોની ખરીદીમાં સૌથી વધુ 419 મોટરસાઇકલનો સમાવેશ થાય છે.જ્યારે 31 કાર અને 95 અન્ય પ્રકારનાં વાહનોની ખરીદી કરવામાં આવી હતી.આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કેતહેવારો દરમિયાન પોરબંદરવાસીઓએ વાહન ખરીદીમાં ઉત્સાહ દાખવ્યો હતો.ખાસ નોંધનીય બાબત એ છે કે પોરબંદર જિલ્લો મુખ્યત્વે ખેતી અને મત્સ્યઉદ્યોગ આધારિત છે.જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમોનો અભાવ છે. આ વર્ષે સારો વરસાદ પણ થયો ન હોવા છતાં લોકોએ રૂ.8 કરોડથી વધુની કિંમતનાં વાહનો ખરીદ્યાં છે.બીજી તરફ, આજના સમયમાં વાહન સુવિધા જીવનની જરૂરિયાત બની ગઈ છે. નોકરી, ધંધા અને રોજિંદા કામકાજ માટે મોટરસાઇકલ અનિવાર્ય બનતાં સામાન્ય પરિવારો પણ પોતાની આર્થિક ક્ષમતા મુજબ વાહન ખરીદી રહ્યા છે.વાહનોની ખરીદી વધવા પાછળ સરળતાથી ઉપલબ્ધ થતી ફાઇનાન્સ સુવિધા પણ મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. ઓછી પ્રારંભિક રકમ અને હપ્તાની સુવિધાના કારણે મધ્યમ તથા સામાન્ય વર્ગના પરિવારો માટે પણ વાહન ખરીદવું સરળ બન્યું છે.
આમ, દિવાળીના તહેવારોમાં થયેલી વાહનોની ખરીદી પોરબંદરના બજારમાં લોકોની ખરીદશક્તિ અને વાહનોની વધતી જરૂરિયાતનો ચિતાર આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya